પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સળવળાટ થાય છે
૯૩
 


જ રોકી રાખી હતી. ગામની છોકરીઓ કે પરણેલીઓના પરિચયમાં જીવનનાં રહસ્યો મેળવવાનો સમય એને ક્યારે હતો ? નાનપણથી જ એને તો માના નવા ધણીના સ્વભાવના અગ્નિકુંડમાં જ જીવવાનું સરજાયું હતું. એટલે જ એને કાને જ્યારે એની આંહીં સોંપણ કરનાર એક ખાનદાન મોંવાળા માનવીનો ઉલ્લેખ પડ્યો, ત્યારે એ ગંભીર બની. સાચે જ શું પોતે એ સજ્જન આબરૂદાર પુરુષની આબરૂ બગાડવા બેઠી હતી ? મનથી જેને પોતે સાવ તજ્યો હતો, છેલ્લો અહીં આવ્યો ત્યારે જેને પોતે કંટાળાનાં બીડેલાં દ્વાર પાછળ લપાઈ જઈને ધકેલી દીધો હતો, તે માનવીનું હવે શું થશે ?

અજવાળી બેવકૂફ હતી. યાદ કરવામાં અને થોડી મુસીબત નડી; જડતાની દીવાલો ભેદી ભેદી એણે સાત મહિના પૂર્વેની એક મધરાત માંડ માંડ યાદ કરી. એ મધરાતે જ મુકાયેલું બીજ શું આજે ફૂલરોપ બનવા, પાંદડાં પસારીને જગતનાં હવા-ઉજાસ વચ્ચે રાસ લેવા સળવળી રહ્યું હતું ?

પણ હવે શું થાય ? એનો તો મેં તુચ્છકાર કર્યો હતો. હવે એ કેમ માનશે કે આ બીજ એનું રોપેલું છે ?

જડ બુદ્ધિ આ વિચાર-ઝાડીનાં ઝાંખરાં વચ્ચે વધુ પગલાં ન ભરી શકી. દરમિયાન તો શેઠ જુગલકિશોર મેડતિયા આવી પહોંચ્યા. અજવાળીને બીજા ખંડમાં છોડીને અધિષ્ઠાત્રી ઓફિસમાં ગઈ. થોડી વારે પાછી આવી. અજવાળીને પંપાળીને કહ્યું : “કશી ચિંતા ન કર. તારે માટે રસ્તો કાઢ્યો છે. તારો વાળ પણ વાંકો ન કરે, તને સુખમાં રાખે તેવા સાથીદારને મેં તેડાવેલ છે.”

એમ કરતી કરતી એ અજવાળીને ઓફિસમાં લઈ ગઈ. અજવાળીએ પોતાની નજર સામે મારવાડીને દીઠો. થોડી વારની ચુપકીદી પછી જુગલકિશોરનાં જડબાં ફાટ્યાં : “ખુશીથી.”

“બોલ અજવાળી, છે તૈયાર ?” અધિષ્ઠાત્રીએ પૂછ્યું.

અજવાળીની ચુપકીદીની પળોને ભેદીને જુગલકિશોર શેઠે કહ્યું : “હું માહિતગાર છું. કોઈપણ જાતની તકલીફ વગર તમામ મુશ્કેલી પતાવી દેશું.”

“એ વાતની તો હું પોતે જ મારા દાક્તરમિત્રોથી સગવડ કરાવી દઈશ.” અધિષ્ઠાત્રીએ વધુ હિંમત આપી.

અજવાળી ચમકી. માતાની મૂઢતા પણ અમુક વાતની સાન અકળ ઝડપથી પકડી શકે છે. અજવાળી બોલી ઊઠી : “મને કાંઈ કહેશો નહીં, મારે નથી કરવું.”

ઊઠીને એ ચાલી ગઈ. બહાર જઈને એ આંખોમાં ઝળઝળિયાં લૂછતી હતી.

અધિષ્ઠાત્રી બહાર આવ્યાં અજવાળીને કહ્યું : “તો તારી શી મરજી છે ? આંહીં નહીં રહી શકાય.”

“મને જવા દો.”

“ક્યાં ?”

“મારી મા પાસે.”

“તો જા, આંહીં નહીં.”

“જમા હતા તે રૂપિયામાંથી ટિકિટ કઢાવી દઈને કાઠિયાવાડની ગાડીમાં ચડાવી દેવા માટે અધિષ્ઠાત્રીએ એક માણસને સ્ટેશને મોકલ્યો. અભણ અજવાળી પોતાની ટિકિટને બચકીમાં એક સાડીને છેડે બાંધીને બે જોડ કપડાંભેર જ ગાડીમાં બેઠી. રાત વિતાવીને