પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
અપરાધી
 


વળતા દિવસ સવારે એ વીરમગામ આવી, ત્યારે ટિકિટ-ચેકરે એની ટિકિટ જોઈ પૂછ્યું :

“બાઈ, તારે ક્યાં જવું છે ?”

“કાંપમાં.”

“ટિકિટ અહીં સુધીની જ છે. ઊતર, ફાટક બહાર ચાલી જા.”

“પણ મેં તો કાંપની ટિકિટ કઢાવી હતી.”

“તકદીર તારાં !”

તકદીરની પોટલી માથે લેવરાવીને ટિકિટ-ચેકરે એને ફાટક બહાર કાઢી ત્યારે જ એને સમજ પડી કે આશ્રમના દરવાનની કાંઈક ભૂલ થઈ હશે. એ દસ-બાર આના જમી ગયો હશે એવી કલ્પના કરવાની તાકાત અજવાળીની અક્કલમાં નહોતી.

“ચાલ બાઈ, જલદી કર.” ટિકિટ-ચેકર ઉતાવળો થતો હતો તેમ તેમ અજવાળી આગગાડીના ડબાની બારીને વધુ જોરથી પકડતી હતી. ડંકા બજતા હતા, બારણાં ધડાધડ બિડાતાં હતાં, એન્જિન જોડાઈ ગયું હતું. પારસલોની ધક્કાગાડીઓ દોડાદોડ કરી પ્લેટફૉર્મના પથ્થરોને ચગદતી હતી.

“સાંભળતી નથી ? બહેરી છો, બાઈ ? પૈસા લાવ, નહીંતર ઊતરી જા.”

“મારી કને પૈસા નથી. હું તમને કાંપમાં જઈને મારી મા પાસેથી લાવી આપીશ. મને બેસવા દ્યો. હું ક્યાં જઈશ ?”

ટિકિટ-ચેકર બાકીના ઉતારુઓ પ્રત્યે એક ફિલસૂફની અદાથી હાસ્ય કરી રહ્યો, ને ઉતારુઓ પણ અજવાળીની મૂર્ખતા પર અથવા દોંગાઈ પર એકબીજાના આંખમિચકારાથી મૂંગી આલોચના કરવા માંડ્યા.

“આ રેલવેને તે શું તેં તારા ગામના વેપારીની હાટડી જાણી ? આંહીં ઉધારખાતાં રહેતાં હશે એમ માન્યું ? ઊતર ઝટ નીચે, ને નહીંતર કાઢ પૈસા.”

એમ કહીને ટિકિટ ચેકર એક પગ પાટિયા ઉપર મૂકીને ઊભો રહ્યો. રસીદની મેમો-બુક કાઢીને પાટિયા પર મૂકી. પેનસિલ ગજવામાંથી કાઢીને કાન પર ચડાવી. ટોપી ઉતારીને નિરાંતે પસીનો લૂછવા લાગ્યો.

“પૈસા નથી મારી આગળ.”

“પ્રથમ તો બધાં જ પેસેન્જરો એમ જ કહે છે, બાઈ ! પછી ધીમે ધીમે એની પાસેથી પૈસા નીકળી પડે છે, કેમ, કાકા ! ખરું કહું છું ને ?” ટિકિટ-ચેકરે એક પેસેન્જરને કહ્યું.

“આપ સાહેબે, હેં – હેં – ખરેખરું કહી નાખ્યું. રોજનો અનુભવ છે ના, સાહેબ !” પેસેન્જર વણિક હતો.

“ખોટું શા માટે બોલવું ? કાંઈ સ્વાર્થ ?” ટિકિટ-ચેકરે પોતાના જીવન-મંત્રોની ઝડી છોડી. “જેની રોટલી ખાઈએ છીએ તેનું અનાજ હક કરવું. ઈશ્વરને માથે રાખવો, ચોરી-લબાડી કરવી નહીં. હરામનાં નાણાં ગૌમેટ ! પૈસા તે શી ચીજ છે, કાકા? પગનો મેલ છે મેલ ! પૈસાને લાત મારું છું. ચોખેચોખ્ખું કહી દેનારો છું. કોઈની ખુશામત આ જીભ કરી શકતી નથી, તેથી કરીને તો દસ વરસથી પ્રમોશન વિના પડ્યો છું ને ! દિવસ ને રાત ગાડીમાં ભમું છું. પુરુષોના ને ઓરતોના ડબા ચેક કરું છું. અસૂર હોય, સવાર હોય, મોડી રાત હોય, ઘણી વાર ઓરતના ડબામાં એકાદ-બે જ પેસેન્જર હોય, પણ આપણે તો કાકા, મોટી એટલી મા, ને નાની એટલી બહેનો. લપનછપન નહીં. છપ્પન લાખ જાય ને આવે. કોના બાપની ગુજરાત ? ખાતો ખાય ને ભરતો ભરે.”