“હા બાપા, હા ! નેકી તો બડી વાત છે, સાહેબ !… ખરું કહે છે માસ્તરસાહેબ…
કાજળની કોટડી વચ્ચે રહીને પણ કેવી નીતિ પાળી રહ્યા છે ! પાળે તેનો ધરમ છે. ભાઈ ! …લાયક માણસ.” એવાં એવાં બિરુદો ટિકિટ-ચેકરને અપાતાં હતાં ત્યારે પાંચ મિનિટના
ડંકા પડ્યા. અજવાળી આ જુવાનની વાતમાં એકરસ બનીને પોતાની ટિકિટ વિશેનો મામલો છેક વીસરી જ ગઈ હતી. રેલવેમાં કેવા ધર્માત્માઓને ટિકિટ ચેકરો રાખવામાં આવતા
હશે તેનો એ અસ્પષ્ટ વિચાર ચલાવતી હતી. આવા ભાવભર્યા દિલવાળો આ અધિકારી
પોતાને કાંપ સુધી લઈ જશે તે વિશે હવે એને શંકા જ નહોતી રહી. તે જ ઘડીએ
ટિકિટ-ચેકરે ટોપી માથે નાખી, ચોપડી ઉઘાડી, ખિજાઈને કહ્યું : “સાંભળી શું રહી છો, જંગલી ! કાઢ પૈસા, ગાડી ઊપડે છે.”
“ભાઈ, આ મારાં કડલાં રાખીને…”
“પછી હું ચોર-બજારમાં વેચવા જાઉં, એમ ને ? ઊતર હેઠી !”
એટલું કહીને અજવાળીને બાવડે ઝાલી એણે પ્લેટફોર્મ પર ઉતારી. ગાડી અજવાળીને છોડીને આગળ વધી.
ઉતારુઓએ માંહોમાંહે વાતો માંડી : “સાધુ-સંત ને બાવા-ફકીર હોય તો કાંઈ કોઈ ના પાડે છે ? પણ આ તો મારાં સાળાં માંઈથી માલદાર હોય તે લોકો જ રેલવેને છેતરવા નીકળ્યાં છે !”
“આ ખેડુલોકો ને મજૂરલોકો ભારી ‘પેક’ હોય છે. ચીથરાં પહેરીને નીકળશે, પણ એના ચોરણાના નેફામાં તપાસી તો જુઓ ! છેક નેફામાં રૂપિયા ચડાવ્યા હોય છે. આ બાઈમાણસો પણ કમ્મરે રૂપિયા ચડાવે. એને કોણ તપાસી શકે ? જેટલાં ગરીબ તેટલાં ગોલાં, હો ભૈ !”
સ્ટેશનના પ્લેટફોર્મની બહાર નીકળેલી અજવાળી થોડી વાર તો સૂનકાર હૃદયે ઊભી થઈ રહી. એકાદ માઈલના વિસ્તારમાં પથારો કરીને પડેલી આગગાડીઓએ એને આંધળી બનાવી મૂકી.
“અરે, મારી બાઈ !” એક મજૂરણ સ્ત્રીએ એને કહ્યું, “તું કે છે કે, હું ખેડૂતની છોકરી છું; ત્યારે પછી રોવા શીદ બેઠી છો ? ગાડી તો ચકરાવો ખાઈને જાય છે એટલે પચીસ ગાઉનો પંથ છે. પણ સીધા ગાડામાર્ગે કાંપ આ રહ્યું, પંદર જ ગાઉ માથે. દીવા ટાણે ઘરભેગી થઈ જઈશ — માંડને હાલવા ! ઓ જાય ગાડા-મારગ.”
“રસ્તે કાંઈ ભો નહીં હોયને ?” અજવાળીએ પૂછ્યું.
“અત્યારે ભો કેવો ? આ તો શ્રાવણ મહિનો છે. સીમમાં તો આજ મનખો ઊમટ્યો હશે. માંડને હાલવા ! ખેડૂતની છોકરી થઈને હારી શું જાછ ?”
અજવાળીને આ શબ્દોથી શાતા વળી; શૂરાતન પણ ચડ્યું. સાત મહિનાનો મુંબઈનો વાસ વટાવી જઈને એનો દેહ ખડતલ ખેડુ-જીવનના ગરમ લોહીનો સંચાર અનુભવવા લાગ્યો. સાત મહિનાથી જાણે પગ અકડાઈ ગયા હતા. આખી રાત જેમ પોતે શરીર સંકોડીને ગાડીમાં બેઠી હતી તેમ જ જાણે કે છેલ્લા છ મહિનાનું જીવન જકડાઈને મુંબઈના એક મકાનમાં કેદ પુરાયું હતું. પગરસ્તે ચાલવા માંડી. શ્રાવણના ધૂપછાંયા એની વાટમાં અને પાસેની ટેકરીઓ પર, જાણે કે સાતતાળી દા રમતા એકબીજાની પછવાડે દોડતા હતા. ખેતરોના ઝૂલતા લીલા મોલ પર નાસભાગ કરતા સોનેરી તડકા ને વાદળિયા છાંયા રંગોની રમતો રમતા હતા. રંગોના ગોફ ગૂંથાતા હતા ને પાછા ઉખેળાતા હતા. એ ક્ષિતિજ