લખાણ પર જાઓ

પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.



પ્રકરણ ૧૨ મું.

ભીષણ સૌંદર્ય.

દરીયાપારના પ્રવાસીઓ કેમેરા લઇ લઈને આવ્યા, ભાષણો દઈ ગયા, વિનાશની છબીઓ પાડી ગયા, ઘેર જઈને વર્તમાનપત્રોમાં કોરીયાની દુઃખમય કથની ઉપર કરૂણાના થોડાએક શબ્દો લખી કાઢ્યા–સ્વતંત્રતાના સાથીઓ અમેરિકાવાસીઓની મનોવેદના પ્રગટ થઈ ચુકી ! રે ! જાપાનની તલવારોના ઝખ્મો તો રૂઝાશે, પણ આ સ્વાતંત્ર્યપ્રેમી બંધુજનોની કરૂણા રૂપી ક્રૂર મશ્કરીના ઉંડા ઘા રૂઝાતાં વાર લાગશે. દુશ્મનોને હાથે ગળાં રેંસાય, એમાં શુરવીરોને મન પરમ સુખની મીઠાશ છે, અરેરાટીનો ઉચ્ચાર કર્યા વિના પ્રાણ કાઢી આપવામાં તો એક અપૂર્વ ગૌરવ, અદ્‌ભુત મહિમા, અને અપાર શોભા ભરેલ છે. કારણ કે શુરવીર એ મરનારાને “બિચારો” કહી અપમાન દેનાર કોઇ ત્યાં નથી હોતું. કોરીયાનું હૈયું હાહાકાર કરી ઉઠતું હશે કે “ઓ પ્રભુ ! મ્હારા મિત્રોથી મને બચાવી લેજે.”

૯૨