પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શા માટે આવ્યા હતા આ વિદેશીઓ ? એક પીડાતી પ્રજાની વ્હારે ધાવા ? દુઃખી અને ઝખ્મી બે કરોડ માનવોના મસ્તક ઉપર અનુકમ્પાનાં બે અશ્રબિન્દુ વરસાવવા ? જાલીમ જાપાનને સાવધાન કરવા ? ના, ના. એવી મિથ્યા અનુકમ્પાની ઘેલછા ડાહ્યા ડમરા વેપારીઓને ન શોભે ! પોતાના કિનારાઓને સાચવીને અમેરિકા આનંદભર્યું મ્હાલે છે. દરીયાપારની લહરીઓમાં ન્હાની ન્હાની પ્રજાઓનાં આક્રંદની ચીસો આવીને એને કાને અથડાય છે, પણ સીગારેટ કે નૃત્ય નાટકના તાનમાં બેઠેલા એ વેપારીનાં નેણાં ઘેરાતાં હોય, તે વેળા એ આર્તનાદની એને શી તમા ? એની તંદ્રા ને એનું ઘેન તો ત્યારે જ ઉડે, કે જ્યારે લ્યુસીટેનીઆના બસો ચારસો દેશ–બંધુઓ ઉપર જર્મન પ્રલયનાં મોજાં ફરી વળે !

અમેરિકાવાસીઓ આવ્યા, તે તો પોતાનાં દેવાલયોની, ને પોતાના ધર્મબંધુઓની પાયમાલી સાંભળીને. અમેરિકાના વેપારીઓએ બૂમરાણ કર્યું, તે તો પેલી પોતાની રેલ્વે કંપનીઓના પાટા કોરીયાની ભૂમિ પરથી જાપાને ઉખેડી નાખ્યા એ બળતરાએ. પચીસ પચીસ વરસ થયાં એનાં વિજળીનાં કારખાનાં કોરીયાની અંદર ચાલતાં, એની તમાકુની પેઢીઓ જામી પડેલી, એના નાખેલા નળોમાંથી કોરીયાવાસીઓને પાણી પહોંચતું, એને હાથે કોરીયાનાં જંગી વ્હાણો બંધાતાં, એના સંચાઓ વડે કોરીયાની ખાણોમાંથી સોનું ખેંચાતું,

૯૩