પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દારૂગોળો એનાં કારખાનામાં તૈયાર થતો. જાપાને આવીને એ બધું અમેરિકાની પાસેથી ઝુંટવી લીધું. પોતાના વેપારીઓને બેસુમાર હક્કો આપ્યા, એની હરીફાઈ સામે અમેરિકાવાસીઓ હાથ ખંખેરી ચાલતા થયા. એ બળતરા અમેરિકાના અંતરમાંથી બોલી રહી છે, કોરીયા માટેની કોઈ અનુકમ્પા નહિ.

વિદેશી મુસાફરો તો મુગ્ધ હતા પેલી ભવ્ય સરકારી મ્હેલ મહેલાતો ઉપર, સરકારે બંધાવેલા બાગ બગીચાઓ ઉપર અને આખા દેશમાં ઠેર ઠેર બંધાવેલી સુંદર સફાઈદાર સડકો ઉપર. પણ ક્યાં બંધાવેલી હતી એ સુશોભિત સડકો ? વસ્તીવાળા પ્રદેશોમાં નહિ, દૂર દૂરના વેરાનમાં. ગામડાનાં ગરીબ કોરીયનો પોતાનાં ગાડાંઓ ખેતરાઉ અને પહાડી રસ્તાઓ ઉપર સુખેથી ચલાવતા, જરૂર જોગો વેપાર કરી આવતા. એને આવા મનોહર રાજમાર્ગોની જરૂર નહોતી. એ નિર્જન રાજમાર્ગો વેરાનની ભીષણતામાં વધારો કરતા હતા. લોકો એ રાક્ષસી સડકોથી ભય પામતાં. હુ હુ હુ હુ કરતી એ સડક કોરીયાનું હૃદય વીંધીને જાણે ચાલી જતી. પ્રજા પળે પળે કાન માંડીને ચમકી ઉઠતી, કે જાણે એ સડકના હૈયામાં દૂર દૂરથી ચાલ્યા આવતા જાપાની સૈન્યના તાલબંધ કદમના ધબકારા સંભળાય છે, સંગીનો ઝબૂકે છે, તલવારો ખણખણે છે, તોપખાનું માર માર કરતું, આકાશ ગજવતું

૯૪