પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાંચી વાંચીને પરદેશીઓ પોતાના પોકારને સફળ થયેલો સમજી બેઠા.

કાળાં કામ કરનારા બે જુના હાકેમોનાં રાજીનામાં મંજુર થયાં. મંજુરીના કાગળમાં જાપાની સચીવ શું લખે છે ? “વર્ષો સુધી ઉજ્જવળ સેવા બજાવનારા આ બે લાયક અધિકારીઓનું રાજીનામુ સ્વીકારતાં મને દુઃખ થાય છે !”

લશ્કરી રાજ્યનો પલ્ટો આરંભાય છે. એક હાથે જાપાની સચીવ અમેરિકાને કોરીયા પરત્વેની પોતાની મમતાના ખાત્રી પત્રો મોકલે છે, અને બીજે હાથે, કતલ ચલાવવા કોરીયાને કિનારે છ હજાર સૈનિકોનો કાફલો પહોંચાડે છે. ‘સુધારા’નો સંદેશો સંભળાવીને તત્કાળ કોરીયાની છાતી ઉપર ત્રણ હજાર વધુ પોલીસો, અને બસો વધુ અમલદારો બંદુકો લઈને ચડી બેસે છે. અત્યાચાર કરનારો જુનો એક પણ અમલદાર કશી શિક્ષા નથી પામતો.

અત્યાર સુધી માત્ર ઇસારે કામ ચાલતું, હવે ‘સુધારા’ જાહેર થયા, એટલે લિખિત હુકમોથી પોલીસને ગોળી ચલાવવાની છૂટ મળી. ઉત્સવોની અંદર પ્રજાને સંગીત કરવાનો પ્રતિબંધ, અને પાંચ પાંચ કુટુંબોના મસ્તક પર અક્કેક અમલદારની (નીમણુક) મલ્લકુસ્તીની મનાઇ, ઉજાણીની મનાઈ, પૂર્ણિમાના ઉત્સવોની મનાઈ, અને એ મનાઈના ઉલ્લંઘનની પાધરી શિક્ષા — આંખો મીંચીને ગોળીઓ છોડવાની.

૯૯