પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નથી. પિતૃભુમિનો પ્રાણ એ પ્રત્યેકને સ્મશાનમાંથી સાદ કરી રહ્યો છે. પ્રકાશની એને પરવા નથી. અંધકારના–મૃત્યુના–અમર ભુવનમાં દાખલ થવા એ તલસે છે. હવે તો એ બીજા કોઈ દયાળુને વ્હારે ધાવા કાલાવાલા કરતો નથી. સાગરને સામે પારથી આશાના સંદેશા નહિ, પણ મૃત્યુના ઘુઘવાટા એ કિનારે બેઠો બેઠો સાંભળે છે, હજારો વીર વીરાંગનાનાં વૃંદ આકાશની અંદર ચાલ્યા જતાં એ નિહાળે છે. એ હસે છે, પ્રેતની પેઠે હસે છે, અમર દુનિયાનાં એ દર્શન કરે છે, અને પળે પળે પાકારે છે. “અમર રહો મા કોરીયા !”

ત્યારે હવે જાપાને શું ધાર્યું ?

નકશા પર નજર કરો. નકશો એનો ઉત્તર દેશે. કોરીયાને કિનારેથી જાપાની તોપો ખસે કે બીજી જ પ્રભાતે જાપાનનો બીજો કોઈ દુશ્મન પોતાની તોપો ત્યાં માંડશે, ને જાપાન ઉપર ગોળા છોડશે, એવી જાપાનને ધાસ્તી છે. પરંતુ એથી યે ઉંડાણમાં પેલી મહદ્ જાપાન બનવાની મુરાદ, કોરીયાની ગુલામીનું સબળ કારણ છે. કોરીયાની અંદર દારૂગોળો અને સેના જમાવી એક દિવસ ચીનનો કબ્જો લેવો, પછી એશિયાના બીજા પ્રદેશો પર પાંખો પસારવી, સામ્રાજ્ય સ્થાપવું, અને આખરે પાસીફીક મહાસાગરની માલીકી માટે મથવું. કદી નહિ છોડે–કોરીયાને જાપાન રાજીખુશીથી કદી નહિ છોડે.

૧૦૩