પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગાડાં ઘોડાં કે ગાય ભેંસ વગર પૈસે વાપરતો. મુસાફરીમાં મફત મહેમાનગીરી કઢાવતો.

કાયદો કેવળ રાજદ્રોહ સિવાય બીજા એકેય ગુન્હા બદલ અમીરને સજા ન કરી શકે. એનું મકાન જપ્ત ન થાય, કે ન એને ખુદને બંદીખાને નખાય. જ્યારે જ્યારે એનો કોઈ અપરાધ કરે ત્યારે એને અદાલતમાં જવાની જરૂર નહોતી. પરબારો પોતેજ કાયદો હાથમાં લઈ, મનમાં આવે તે શિક્ષા ઠોકી બેસાડતો. કોઈ કાળે રાજદ્રોહના ગુન્હા બદલ એને દેહાંત દંડની સજા થાય તો તેને જાહેરમાં ફાંસી નહોતી દેવાતી. પોતે પોતાના ઘરમાં બેસી ઝેરનું પ્યાલું ભરી પી જતો. આ અમીર વર્ગે વસ્તીની પાયમાલી કરી નાખેલી.

બીજો જુલ્મ રાજાઓનો. રાજા સદા દેવાંશી મનાતો. પ્રજાજન, રાજા ન જીવતો હોય તે દરમ્યાન એનું નામ ન ઉચ્ચારી શકે. પ્રજાજન એના દેહને અડકી પણ ન શકે. ભૂલથી રાજા કદાચ કોઇને સ્પર્શી જાય, તો એ સ્પર્શવાળી જગ્યા ઉપર સદા લાલ પટી લગાવી રાખવી પડે. રાજાજીનું મ્હોં દેશના કોઈ પણ સીક્કા ઉપર નહોતું છપાતું. કારણ કે એને પ્રજાજનોના અપવિત્ર હાથનો સ્પર્શ થાય એની છબી પણ એના મૃત્યુ પછીજ ચિતરાય. એની હજુરમાં કોઈ શોકના પાષાકમાં અગર ચશ્માં પહેરી આવી શકે નહિ. રાજાને લોઢાનો સ્પર્શ કદી ન કરાવી શકાય. આ વ્હેમને પરિણામે કેટલાયે રાજાઓની

૧૭