આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૪ થું.
રણવાસમાં રક્તપાત.
જાપાનની જૂની રાજધાની ક્યોટો નગરમાં કોઈ પરદેશી જાય તો એ શું નિહાળી રહે છે ? એ શહેરની એક શેરીમાં એક સ્મરણ–સ્થંભ ઉભો છે. એનું નામ “નાક કાનનો સ્મરણ સ્થંભ” ! હજારો કોરીયાવાસીઓનાં નાક કાન કાપીને એ સ્થંભ નીચે જાપાનીઓએ દાટેલાં છે. પોતાના જ અત્યાચારના સ્મરણસ્થંભો બીજી કોઈ પણ પ્રજાએ ઉભા કર્યા છે કદી ?
૧પ૯૨ ની સાલનો પુરાણો આ સ્મરણસ્થંભ છે. જાપાનના નામાંકિત રીજંટ હીડેજોશીએ એ વરસમાં એક જબ્બર સેના કોરીયાને કિનારે ઉતારેલી. પચાસ હજાર કોરીયન સૈનિકોએ એની મહેમાની કરેલી. ચીન કોરીયાની કુમકે પહોંચ્યું, ને જાપાનીઓને નસાડ્યા. નાસતા નાસતા એ દુશ્મનો કોરીયાના મહામૂલા પ્રદેશો લૂંટતા ગયા. લૂંટી જવાયું નહિ તે બધાને આગ લગાડતા ગયા, કળાના અમૂલ્ય નમુનાઓનો નાશ
૧૯