પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એટલેથી જાપાનના પેટની જ્વાળા બુઝે તેમ નહોતું. કોરીયાનાં લશ્કરની અંદર એણે કાવતરાં રચ્યાં, કાવતરાં પકડાયાં. ફરીવાર કોરીયાવાસીઓએ જાપાની એલચીખાતા ઉપર હુમલો કર્યો. જાપાની લોહી છંટાયું, ને જાપાનની અંદર ફરીવાર ચુદ્ધનો સાદ પડ્યો. પણ સરકાર જાણતી હતી કે કોરીયાની સાથે યુદ્ધ કરવું એનો અર્થ એ કે ચીન સાથે યુદ્ધ. આવી જાદવાસ્થળી માટે જાપાન તૈયાર નહોતું.

જાપાનનું બખ્તર ખણખણ્યું. ૧૮૮૫ માં જાપાને શસ્ત્રો સજ્યાં. જાપાન ચીનને કહે કે “જુઓ ભાઈ ! આ બિચારા કોરીયાની છાતી ઉપર આપણે આપણાં સૈન્યો ચાંપી રહ્યા છીએ એ ઠીક નહિ. તમે પણ સૈન્ય ઉઠાવી લ્યો. અમે પણ અમારૂં સૈન્ય ઉઠાવી લઈએ, પણ ખબરદાર ! પહેલેથી કોરીચાને ખબર દીધા વિના કદી સૈન્ય મોકલવું નહિ.”

ભોળા ચીનાઓ ચાલ્યા ગયા. જાપાને કોરીયાવાસીઓની અંદર અંદર જ ઉશ્કેરણી કરી હુલ્લડ જગાવ્યું પોતાના દેશનો ધ્વંસ તો દેશીઓજ કરી શકે.

ચીનને આ માલૂમ પડ્યું. જાપાનની સાથે પવિત્ર સંધિમાં બંધાયેલું ચીન એમને એમ તો લશ્કર શી રીતે મોકલી શકે ? એણે કોરીયાના નૃપતિને પૂછાવ્યું કે લશ્કર મોકલું ?”

ચીન પૂછાવતું રહ્યું ત્યાં તો દસ હજાર જાપાની સૈનિકો શીયુલ નગરમાં દાખલ થયા.

૨૨