પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રાણીનું લોહી રેડેલું. રાજાનું તેમજ પ્રધાનોનાં કાળજાં ફફડી ઉઠ્યાં.

જાપાની તોપો બંદુકોથી ઘેરાયેલા એ મહેલની અંદર રાત્રીએ પ્રધાન મંડળ મળ્યું. જાપાની તલવારોના ખણખણાટ પ્રધાનોની બેઠકમાં સંભળાતા હતા. ત્યાં તો જાપાની સેનાપતિની સાથે ઈટો આવી પહોંચ્યો. એણે રાજાજીની સાથે એકાંત મુલાકાતની માગણી કરી. જવાબ મળ્યો કે “નહિ બને.”

પ્રધાન મંડળની સાથે ઇટોને રકઝક ચાલી. કોપ કરીને જાપાની હાકેમ બોલ્યો કે “કબૂલ કરીને ખીસાં ભરી લ્યો, નહિ તો ના પાડીને ડોકાં નમાવો.”

જાપાની સેનાપતિએ તલવાર ખેંચી. કારીયાનો બહાદુર મુખ્ય પ્રધાન બોલ્યો કે “સુખેથી, હિમ્મત હોય તો માથાં ઉડાવી દયો.”

“જોવું છે ?” એમ બોલીને સેનાપતિ વડા પ્રધાનનો હાથ ઝાલી, બીજા ખંડમાં ઘસડી ગયો.

બાકીના પ્રધાનોના મનમાં થયું કે આપણાં માથાં ઉડવાનો પણ હમણાંજ વારો આવી પહોંચશે. આપણી વારે ધાવા કોઈ પરદેશી પ્રતિનિધિ નથી આવ્યો. કોઇ આવવાનું પણ નથી. મરવાથી કાંઈ વળવાનું નથી. એમ સમજીને આખી રાતની એ રકઝકને અંતે પ્રધાનોએ કરારનામા પર સહી કરી. અડગ રહ્યા બે જણા–એક રાજા અને બીજો મુખ્ય પ્રધાન.

૩૪