પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અમેરિકાએ ઈશ્વર–સાક્ષીએ આપેલો આ કોલ ! એશિયાના ગુલામોને કપાળે આવા પ્રહારો ન પડે તો બીજું શું ?

અને પરદુઃખ ભંજન ઈંગ્લાંડ કાં ન ધાયું ? રે ! એને તો ઘણીયે ગણતરીઓ કરવાની હતી, જર્મની સામે ટક્કર ઝીલવા માટે એને ઉત્તર સમુદ્રમાં કાફલો રાખવો હતો, પૂર્વની ભૂમિમાં પોતાનાં વેપાર વાણિજ્ય તેમજ મુલ્કો સુરક્ષિત રાખવા હતાં, ને હિન્દુસ્થાન સામે ટાંપી બેઠેલા રૂશીઅન રીંછને આગળ વધતું અટકાવવું હતું ! શી રીતે ઈંગ્લાંડ પોતાના એ પરમ ઉપયોગી મિત્રને માઠું લગાડવા જાય ! ઈંગ્લાંડની આંગળી ઊંચી થવાની સાથે તો પેલા કાફલાને જાપાન દરીયાને તળીએ પહોંચાડી દે, વેપારનાં વ્હાણો પાછાં વાળે, અને પેલા રીંછને ભારતવર્ષની લીલી ભૂમિ ઉપર છૂટું મેલી દે. રે ! ઈંગ્લાંડે તો જાપાનને રાજી ખુશીથી લખી આપ્યું કે, “કોરીયાની અંદર, તમે રાજ્યદ્વારી, લશ્કરી અને આર્થિક હિત પ્રથમ દરજ્જે ધરાવો છો, એ અમારે મજુર છે !?”

૧૯૦૫ ના તહનામા ઉપર રાજાએ સહી કરી જ નહિ. પોતાના રાજમહેલમાં એ આજ કેદી બન્યો હતો. એના મનમાં ઉદ્‌ગાર ઉઠ્યો, “જરૂર, કોઇક પ્રજા તો મારી વારે ધાશે. શું કોઈ નહિ આવે ?”

૧૯૦૭ ની હેગ કોન્ફરન્સમાં એણે એલચી મોકલ્યો. એની વાત સાંભળવાની જ કોન્ફરન્સે ના પાડી !

૩૬