પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શરીરના માંસમાં ધગધગતા ખીલા ઘોંચાતા. આંગળીના નખને ચીમટાથી ખેંચી કાઢવામાં આવતા.

વરસે વરસે ૭૫ હજાર કોરીયાવાસીઓ ઘરબાર છોડીને મંચુરીયા તરફ ચાલી નીકળવા લાગ્યાં. રસ્તે ભૂખમરો, કડકડતી ઠંડી, અને મૃત્યુ રાહ જોઇ રહ્યાં હતાં. પણ જાપાની જુલ્મની અંદર રહેલું અપમાન આ માર્ગના મૃત્યુમાં નહોતું.

દેશ છોડીને ચાલી જનારી નારીઓનાં અંગ ઉપર નગ્નતા ઢાંકવા જેટલાં પણ વસ્ત્રો નહોતાં. પીઠ ઉપર એનાં નાનાં બચ્ચાં બાંધેલાં હતાં, તેથી એક બીજાના શરીરની હુંફ મેળવીને તેઓ ચાલતાં. બાળકોનાં નાજૂક આંગળાં ઠંડીમાં એક બીજા સાથે ચોંટી જતાં. વૃદ્ધ સ્ત્રી પુરૂષો, વાંકી કેડ કરીને ગાઉના ગાઉ સુધી ચાલ્યા જતાં. આખરે એ જર્જરિત શરીર થાકી જાય, આગળ ચાલી ન શકે, અને માર્ગમાંજ પ્રાણ છોડે.

દેશના ઉકળેલ લોહીના કેટલાએ યુવાનોએ ‘ધર્મ સેના’ નામનું એક લશ્કર ખડું કર્યું. આ લશ્કર જાપાનીઓ ઉપર અચાનક હલ્લો કરે, જાનમાલની ખુવારી કરે, ને પાછું પહાડોમાં છુપાઈ જાય. જાપાનીઓએ વેરની વસુલાત નિર્દોષ લોકો ઉપર વાળી. ગામડાં બાળ્યાં, લોકોપર ગોળીબાર ચલાવ્યો, ને સ્ત્રીઓની લાજ લૂંટી. આ કતલની અંદર ખ્રીસ્તીઓનો પણ ભોગ લેવાયો. કતલનાં ચિત્રો કાંઈ બહુ વિવિધ નથી હોતાં. કારાગ્રહ, કોયડાના માર, સ્ત્રીઓપર અત્યાચાર, ગોળીબાર

૪૧