પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને આગ–આ બધાં સુધરેલી પ્રજાના હાથમાં, રાજદ્રોહને ચાંપી દેવાનાં હથીઆરો. એનાં એ હથીઆરો ઘણી ઘણી રીતે વાપરી શકાય. જેવો વાપરનારો ! જાપાને એ તાલીમ પ્રથમ તો યુરોપની પાસેથી લીધી. પછી એણે પોતાની બુધ્ધિ અજમાવીને એ વિદ્યાને ખુબ કેળવી. કોરીયાનો ધ્વંસ એજ એનું પ્રમાણપત્ર !

ફરી એક વાર કોરીયાની નાડીમાં પ્રાણ આવ્યા. જગત આખાને સ્વતંત્રતા આપવા નીકળી પડેલા પેલા અમેરિકાના હાકેમ વિલ્સન કોને યાદ નથી ? એના પ્રજાસંઘમાં ન્હાની પ્રજાઓને પણ ખુરશી મળવાની ખૂબ વાતો વિલ્સન સાહેબે કરી નાખેલી. કોરીયાએ તો આશાતુર હૃદયે પોતાની હકીકત પારીસ કોન્ફરન્સમાં રજુ કરવા નક્કી કર્યું. કોરીયાની અંદરથી તો જાપાન કોઈને જવા જ શાનું આપે ? અમેરિકાની અંદરથી ત્રણ કોરીયાવાસીઓનાં નામ નક્કી થયાં. અમેરિકા કહે કે પાસપોર્ટ જ નહિ મળે !

ત્રણમાંનો એક ગમે તેમ કરીને પારીસ પહોંચ્યો. મિત્ર રાજ્યોના હાકેમો કહે કે “નહિ મળી શકીએ !”

હવે તો કોરીયાએ પારકી આશા છોડી. આખા દેશ ઉપર કેસરીયાં કરવાની વાતો ચાલી. ચતુર આગેવાનો ચેત્યા. માતા કોરીયાને નામે, એણે આણ ફેલાવી કે—

જે કાંઈ કરો તેમાં જાપાનીને અપમાન દેશો નહિ.

૪૨