૧૯૧૮ માં દુનિયાએ હથિયાર હેઠાં મેલ્યાં, એટલે જાપાને કોરીયાની સમગ્ર પ્રજાની અંદર એક પત્રિકા ફેલાવી, અને તલવારની અણી બતાવી એ ઉપર સહી કરવા કહેવામાં આવ્યું. એ પત્રિકામાં શું હતું ? કોરીયાની પ્રજા તરફથી સુલેહની સભાને મોકલવાની એ એક અરજી હતી. કોરીયા તરફથી એમાં જણાવવાનું હતું કે “જાપાનની કૃપાળુ રાજસત્તાના અમે અહેશાનમંદ છીએ. અમે બન્ને મહાપ્રજાઓ અમારા નૃપતિ મીકાડોના છત્ર તળે એક બની ઉભાં છીએ. અમારે જુદી સ્વતંત્રતા નથી જોઈતી. અમને એ સિદ્ધાંત લાગુ પાડશો નહિ !”
સૈનિકોએ ખુલ્લી તલવારે આ અરજીખત ઉપર નામાંકિત પ્રજાજનોની સહી લીધી. પણ પેલા જરાગ્રસ્ત, જર્જરિત, અને આશાહીન રાજાએ કહ્યું કે “મારી નાખો, સહી કરીને મ્હારી પ્રજાને નહિ વેચી મારૂં ?” ૧૯૦૫ માં પોતે પોતાના પ્રાણ પ્રજાને ખાતર ન આપી શક્યો, એ વાત સંભારી સંભારીને રાજા રડતો હતો. એના મનમાં હતું કે “આજ તો એ મહાપાપનું પ્રાયશ્ચિત કરવા માટે પ્રાણનું બલિદાન આપી દઉં !”