પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જાપાનીઓ એમ જ મલકાઈ ગયા કે આખરે કોરીયાવાસીનો ગર્વ ગળ્યો ખરો–આખરે તેઓ ઠેકાણે આવ્યા ખરા. રાત્રીના બારના સમયની તૈયારી હતી. એક સુશોભિત ટેબલ પર પથરાએલ વિપુલ અન્નપાનની સામગ્રીને જાપાની અધિકારીઓ ન્યાય આપી રહ્યા છે, એટલામાં બારનો ટકોરો થયો. અને કોરીયનોનો અગ્રેસર અચળ શાંતિપૂર્વક વદન ઉપર મધુર હાસ્ય ફરકાવતો ઉભો થયો. એક કાગળ કાઢી તેમાંનું લખાણ વાંચવા તૈયારી કરી. આખું મંડળ સ્વસ્થ થઇ ગયું. સઘળે શાંતિ છવાઈ ગઈ.

‘અમારી–મ્હેમાનોની સ્તુતિ–પ્રશંસા કરવાનો પણ કાર્યક્રમ રાખ્યો જણાય છે.” જાપાની અધિકારીઓ ખુશ થવા લાગ્યા, અને બોલનારના શબ્દો ઝીલવા શ્રવણઇંદ્રિયને સતેજ કરી.

અદ્‌ભૂત ગંભીરતાથી, અપૂર્વ સ્વસ્થતાપૂર્વક કોરીયન અગ્રેસરે ગર્જના કરી,

“આજે, આ સ્થળેથી, અમે કોરીયાનિવાસીઓ અમારી પ્રજાની સ્વાધીનતા જગત્‌ને જાહેર કરીએ છીએ.”

સાત આકાશ જાણે સામટા તૂટી પડ્યા હોય, વિદ્યુતનો કોઇ પ્રબળ પ્રહાર થયો હાય તેમ, જાપાની અધિકારીઓ

૫૫