૧. સત્ય, ધર્મ અને જીવનને ખાતર, સમસ્ત પ્રજાના આદેશ અનુસાર, પ્રજાની સ્વતંત્રતાની ઈચ્છાને અમે જાહેર કરીએ છીએ. સાવધાન ! કોઇને પણ કશું પીડન દેવાનું નથી.
૨. જે અમારો સાચો સાગરિત હશે તે તો સદાને માટે; પ્રત્યેક કલાકે અને પ્રત્યેક પળે, આનંદની સાથે અહિંસક બની રહેશે.
૩. આપણે કામ લેવાનું છે તે એવી તો સભ્યતાપૂર્વક ને વ્યવસ્થાપૂર્વક કે આખર સુધી આપણું આચરણ નિર્મળ અને માનવંત બની રહે.
જગત આખું તાજ્જુબ બન્યું. પરદેશીઓને તો લાગ્યું કે ગગનમાંથી જાણે કોઈ વજ્ર પડ્યું. પરદેશીઓ જાણતા હતા કે જાપાની રાજસત્તાનો જાપતો કેવો ભયાનક હતો. કોરીયાના એકેએક આદમીનું નામ સરકારને ચોપડે નોંધાતું, દરેકને એક નંબર મળતો, અને પોલીસ આ નંબર જાણતી. પરગામ જતી વેળા પોલીસની પોથીમાં કોરીયાવાસીએ પોતાના કામકાજની વિગત લખાવવી પડે. પોલીસ એ બીજે ગામ તારથી તપાસ કરાવે છે એ વાત સાચી હતી કે ખોટી. નોંધાવ્યા મુજબ હકીકત ન નીકળે તો કોરીયાવાસીનું આવી બનતું.