હું ભોંય પર ઢળી પડી. અમલદારોએ ગર્જના કરી, મને ઘુંટણ પર બેસવા કહ્યું, મ્હારાં સ્તન પકડીને મને ધણધણાવી.
મને કહેવામાં આવ્યું કે “સ્વતંત્રતા જોઈએ છે ? તલવારને એક ઝટકે ત્હારો જાન લેશું.”
પાછી મને ચોટલો ખેંચીને હલમલાવી, મ્હારા માથા પર લાકડી મારી—પછી મને નીચે જવા કહ્યું. પણ ઉઠીને ચાલવાની મ્હારી તાકાત નહોતી. હું પેટ ઘસડતી ચાલી. મ્હારાથી ચલાયું નહિ. સીડીના પગથીયાં પરથી હું ગબડી પડી. ફરી હું બેહોશ બની.
હું જાગી ત્યારે મને બીજી ચોકી પર લઈ જવામાં આવી. ત્યાં મારા લુગડાં કઢાવી મને નગ્ન કરી. પછી લુગડાં પહેરીને હું ઓરડામાં ગઈ.
બીજે દિવસે દાક્તરે આવી મને નગ્ન બનાવી, મ્હારૂં વજન કર્યું. દારોગાએ મને કહ્યું કે તારા ઉપર કામ ચાલશે. હું રાજી થઇ. મેં માન્યું કે મ્હારી વાત કહી નાખવાની મને તક મળશે. પણ એક દિવસ મને છોડી મૂકી. મ્હારૂં કામ ચાલ્યું નહિ. મ્હારો શું ગુનો હતો તે પણ મને કહેવામાં આવ્યું નહિ.”
આવી કથનીએ તો અનેક લખાઈ ચૂકી છે. એક નમુનોજ બસ છે.