પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૫. ફરજીયાત લશ્કરી નોકરી.

એ જાહેરનામાની અંદર જરા ડોકીયું કરીએ.

“અમે–કોરીયાની પ્રજા–અમારો ચાર હજાર વરસનો ઇતિહાસ બોલી રહ્યો છે કે અમારે સ્વરાજ્ય હતું, સ્વતંત્ર એક રાજ્ય હતું, ને સહુથી નિરાળી, પ્રગતિશીલ એક સંસ્કૃતિ હતી. અમે શાંતિપ્રિય પ્રજા છીએ. દુનિયાની નૂતન જાગૃતિમાં અમારો હિસ્સો છે, માનવ જાતના વિકાસમાં અમારે ફાળો દેવાનો છે. જગદ્‌વિખ્યાત યશસ્વી એવો તો અમારો ભૂતકાળ છે, અને એવી નિર્મળ અમારી રાષ્ટ્રીય ભાવના છે કે કોઈ પિશાચી જુલ્મ પણ અમને જેર નહિ કરી શકે, કોઈ પરદેશી પ્રજા અમને પી નહિ જઈ શકે, અને જડવાદી જાપાન કે જેની સંસ્કૃતિ અમારાથી બે હજાર વરસો પછાત છે, તેને આધીન તો અમે શી રીતે થશું ?

જગત જાણે છે કે જાપાને ભૂતકાળમાં દીધેલા કોલ તોડ્યા છે, ને જગત પર જીવવાનો અમારો હક્ક પણ ઝુંટાવી રહેલ છે. પરંતુ અમે જાપાનના એ વીતી ગયેલા અન્યાયોની કે ભેળા થયેલા એના પાપના પુંજોની વાત નથી ઉચ્ચારવા માગતા. અમે તો માત્ર કોરીયાની સ્વાધીનતાનો દાવો કરીએ છીએ,—જગત પર જીવવા માટે, સ્વતંત્રતા ને સમાનતા વિસ્તારવા માટે, અમારી નીતિરીતિને આબાદ રાખવા માટે, પૂર્વમાં શાંતિ સાચવવા માટે, અને આખી દુનિયાનું કલ્યાણ

૭૨