પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાધવા માટે. અમારી સંસ્કૃતિને અમે રક્ષી રહ્યા હતા એ અમારો અપરાધ. એ અપરાધને કારણે જાપાન પોતાની લશ્કરી સત્તાનું પશુબળ અજમાવીને અમારા ઉપર દારૂણ અત્યાચાર વરસાવે—માનવ જાતનો જાગૃત પ્રાણ શું આ બધું થંડે કલેજે જોયા જ કરશે કે ? ન્યાયહીન આ અત્યાચારની નીચે ચગદાતાં ચગદાતાં પણ બે કરોડ મનુષ્યોની પ્રભુભક્તિ નહિ અટકવાની, જો જાપાન તોબાહ નહિ પોકારે, પોતાની નીતિ નહિ સુધારે, તો. પછી માતૃભૂમિની સ્વાધીનતા માટે અમે શસ્ત્રો ધરશું;— દેશમાં એક જીવ પણ રહેશે ત્યાં સુધી, ને સમયની પાસે એક છેલ્લી ઘડી હશે ત્યાં સુધી ન્યાયને પંથે અમે કૂચ કરશું, ત્યારે કયા દુશ્મનની મગદૂર છે કે અમોને રોકી શકશે ? સકળ જગતની સાક્ષીએ અમે રાષ્ટ્રીય સ્વાધીનતા પાછી માગીએ છીએ, જગતની સેવાને ખાતર અને પ્રભુભક્તિને ખાતર.

એ રાજ્ય બંધારણમાં નીમાયેલા પ્રધાનો બધા કોરીયાની જાહેરસેવા કરનારા જ શૂરવીરો હતા, પણ અફસોસ ! એ બધાને કોરીયાની ભૂમિપરથી જાકારો મળેલ હતો. જાપાનીઓ અટ્ટહાસ કરીને કહેવા લાગ્યા કે, “વાહરે, કાગળના ટુકડાનું રાજબંધારણ !”

હાંસી કરનારા જાપાનીઓ શું વિસરી ગયા હતા કે, મહાયુદ્ધને વખતે બેલ્જીઅમની સરકાર બેલ્જીઅમમાં નહોતી,

૭૩