પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જાપાની સરકારને પડકારતી હોય ને કે “મ્હારા શરીરને કાપી નાંખો, પણ તમારી એ તલવાર કે બંદુકની ગોળી ત્યાં નહિ પહોંચે— ત્યાં, મ્હારા અંતરતમ પ્રાણમાં, જે પ્રાણ પળે પળે પોકારી ઉઠે છે કે “અમર રહો, મા કોરીયા !”

સ્વાધીનતાના સંદેશને બીજેજ પ્રભાતે કોરીયા માતાએ પોતાની શેરીએ શેરીએ પોતાનાં લોહી લોહાણ, ચગદાયેલાં સંતાનો જોયાં, બંદીખાનામાંથી અત્યાચારની કરૂણ બૂમો સંભળાણી, પોતાની બેટીઓનાં પવિત્ર અંગો ઉઘાડાં થતાં ને ચીરાતાં જોયાં. માતાના એ ત્રીશ દેશનાયકોએ એક હાકલ કરી હોત તો ઘરેઘરમાંથી બે કરોડ બહાદૂરો ડાંગો લઈને, અને પત્થર લઈને બહાર આવત, એકેએક જાપાનીને છુંદી નાખત, સીઉલ શહેરનું એકેએક જાપાની ઘર સળગાવી મૂકત; પછીથી થનારી સજાનો વિચાર એને ડરાવત નહિ. કારણ કે, માતાનો નામોચ્ચાર કર્યાની જે સજા જાપાની કાયદા પાસે હતી તેનાથી તો બીજી એક પણ વધુ ભયંકર સજા ખુદ સેતાનના દરબારમાંયે ન સંભવે.

પરંતુ, ના ! માતાનો આદેશ હતો કે “કોઈને ન મારતા, કંઇ ભાંગફોડ ન કરતા, આપણો સિદ્ધાંત નિર્મળ રાખજો, આપણા પક્ષમાં ધર્મ છે.”

એ ધર્મને ખાતર,–નહિ કે હાથમાં શસ્ત્રો નહોતાં તે ખાતર–લોકોની મોખરે ઉભેલી મેદની જ્યાં જાપાની ઘોડેસ્વારોનાં

૭૬