લખાણ પર જાઓ

પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નથી, સ્વતંત્રતાનાં સૂક્ષ્મ રહસ્યો એણે નથી સાંભળ્યાં. પ્રભુ બુદ્ધે શીખવેલા પાંચજ જીવનસૂત્રો એ જાણે છે. પણ એના અંતરમાં ઝીણો ઝીણો એક અવાજ ઉઠેલો છે કે “મને વિચાર કરવાનો હક્ક છે, બોલવાનો હક્ક છે. રે ! મને બંદગી કરવાનો હક્ક છે.” આજ એણે જોયું કે એની બંદગીને જાપાની બંદુક અધવચ્ચેથી ઝડપી જાય છે. એ જાગ્યો. એણે જોયું કે “માતાનું નામ લઇશ તો નેવું ટકા પામીશ, પાછો વળીને હળ પણ નહિ ઝાલી શકુ ?” પણ એતો ઉપડે છે, ને ગોળીની વૃષ્ટિમાં મલકાતે મુખે ન્હાઈને લોહીથી તરબોળ થાય છે.

અને ક્યાં ઉભો છે પેલો અમીર વર્ગ ? માતૃભૂમિનાં માનીતાં એ ધનુર્ધારી સંતાનોના લોહીમાં આજ કાંઈયે આતશ શું નથી ઉઠી ? એ વિચાર કરતાં તો યાદ આવે છે એક યશસ્વી નામ–યી–સેંગ–જય. લોર્ડકીચનરની સાથેજ એ જન્મેલો. પણ એની કમરે કદી તલવાર નથી લટકી. લાખો કોરીયાવાસીઓ એની હાકલ સાંભળીને હાજર થાય. જાપાની સરકારનાં કાળજાં એ વીરનું નામ સાંભળી થરથરી ઉઠે છે.

જાપાની પોલીસે એક દિવસ એને ઘેર આવી પૂછ્યું, “આ તોફાનની પાછળ કોણ ઉભું છે તે કહેશો ?”

“મને એ પૂછવાનું શું પ્રયોજન ?”

“અમને લાગે છે કે તમને માલૂમ હશે.”

“હા, મને માલૂમ છે. આ ઝુમ્બેશ ઉઠાવનાર મંડળીના પ્રમુખનું નામ પૂછો છો ને ?”

૭૯