ઓગણત્રીસ ખ્રીસ્તીઓ દેવાલયમાં ગયા, ને દિગ્મૂઢ બની બેઠા. પલવારમાં તો સોલ્જરો દેવાલયને વીંટળાઈ વળ્યા, બારીઓમાંથી બંદુકો છોડી; શ્રોતાજનો મરાયા, ઘવાયા, ત્યાં તો સોલ્જરોએ દેવળને આગ લગાડી. બહાર નીકળવા દોડનારાને સંગીનથી વીંધ્યા. ગોળીબાર સાંભળીને બે શ્રોતાઓની સ્ત્રીઓ તપાસ કરવા આવી. ગાળીઓના વરસાદમાં થઈને દેવાલયમાં જવા લાગી, ત્યાં તો બન્નેને સોલ્જરોએ કાપી નાખી. પછી સોલ્જરો ગામને આગ લગાડીને ચાલી નીકળ્યા.
બીજા એક ગામડામાં લોકોએ સ્વાધીનતાની ચીસ પાડી છપ્પન લોકોને પોલીસ થાણામાં બોલાવવામાં આવ્યા. દરવાજા બંધ કરીને દિવાલ ઉપરથી સિપાહીઓએ ગોળીઓ છોડી. તમામ લોકોના પ્રાણ ઉડી ગયા.
ત્રીજા એક ગામડાને આગ લગાડી સોલ્જરો ઉભા ઉભા એની જ્વાળાઓ જોઇ રહ્યા હતા. લોકો પોતાનાં ઘરબારની આગ બુઝાવવા દોડ્યાં. સોલ્જરોની ગોળી છુટી, સંગીનો ઘોંચાયાં, મારપીટ પડી. ગામવાસીઓ પણ પોતાના સુંદર ગામને સળગતું જોતાં જોતાં ઉભા રહ્યાં.
ગામડે ગામડે આગ લાગે, માતાઓ સ્તનપર વળગેલાં બાળકોને લઈ ભાગે, પિતાઓ મોટાં છોકરાંને ઉપાડી ન્હાસે, પાછળ સોલ્જરોની ગોળીઓ છૂટતી આવે: આવાં તો કેટલાંયે ગામડાં ભસ્મીભૂત બની ગયાં. એનાં વર્ણનમાં કલ્પનાના રંગો નથી પૂરી શકાતા.