પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાગીદારને ન આપે તો મારી સ્થિતિ કેવી કફોડી થાય? આપણે સાથે રહીએ એટલે તારી ફીનો લાભ મને તો મળે જ, પણ મારા ભાગીદારને? અને જો તે જ કેસ તે બીજી જગ્યાએ આપે તો તેને ભાગ મળે જ.' આ દલીલથી હું ભોળવાયો ને મને લાગ્યું કે, જો મારે બારિસ્ટરી કરવી હોય તો આવા કેસમાં કમિશન ન આપવાનો આગ્રહ મારે ન રાખવો જોઈએ. હું પીગળ્યો. મારા મનને મનાવ્યું, અથવા સ્પષ્ટ શબ્દોમાં કહું તો, છેતર્યું. પણ આ સિવાય બીજા કોઈ પણ કેસમાં મેં કમિશન આપ્યાનું મને સ્મરણ નથી.

જોકે મારું આર્થિક ગાડું તો ચાલ્યું, પણ જિંદગીનો પહેલો આઘાત આ અરસામાં મળ્યો. બ્રિટિશ અમલદાર એટલે શું એ હું કાને સાંભળતો. નજરોનજર જોવાનું મને હવે મળ્યું.

પોરબંદરના માજી રાણાસાહેબને ગાદી મળી તે પૂર્વે મારા ભાઈ તેમના મંત્રી ને સલાહકાર હતા. તે દરમ્યાન તેમણે રાણાસાહેબને ખોટી સલાહ આપ્યાનું તહોમત તેમની ઉપર હતું. આ ફરિયાદ તે સમયના પોલિટિકલ એજન્ટને મળેલી ને તે મારા ભાઈની સામે ભરમાયા હતા. આ અમલદારને હું વિલાયતમાં મળેલો હતો. ત્યાં તેમણે મારી મૈત્રી ઠીક કરી કહેવાય. ભાઈએ વિચાર્યું કે, આ ઓળખાણનો લાભ લઈ મારે પોલિટિકલ એજન્ટને બે શબ્દો કહેવા ને તેમની ઉપર જે ખરાબ અસર પડી હોય તે ભૂંસવા પ્રયત્ન કરવો. મને આ વાત જરાયે પસંદ ન પડી. વિલાયતની નજીવી ઓળખાણનો મારે લાભ ન લેવો જોઈએ. જો મારા ભાઈએ કાંઈ દૂષિત કાર્ય કર્યું હોય તો ભલામણ શા કામની? જો ન કર્યું હોય તો રીતસર અરજી કરીને અથવા પોતાની નિર્દોષતા ઉપર વિશ્વાસ રાખી નિર્ભય થઈ બેસવું. આ દલીલ ભાઈને ગળે ન ઊતરી. 'તું કાઠિયાવાડને જાણતો નથી. જિંદગીની પણ તને હવે ખબર પડશે. અહીં તો વગે વાવણાં થાય છે. તારા જેવો ભાઈ હોય ને તારા ઓળખીતા અમલદાસને થોડી ભલામણ કરવાનો સમય આવે ત્યારે તું છટકી જાય એ બરોબર ન કહેવાય.'

ભાઈનું મોં ન મૂકી શક્યો. મારી મરજી વિરુદ્ધ હું ગયો. મને અમલદારની પાસે જવાનો કશો અધિકાર નહોતો. જવામાં મારા સ્વમાનનો