પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભંગ ભંગ થતો હતો એની મને શુદ્ધિ હતી. મેં મળવાનો વખત માગ્યો; મને મળ્યો; હું ગયો. જૂની ઓળખાણ કાઢી. પણ મેં તુરત જોયું કે વિલાયત અને કાઠિયાવાડમાં ભેદ હતો; પોતાની ખુરશીએ બેઠેલા અમલદાર અને રજા ઉપર ગયેલ અમલદારમાં પણ ભેદ હતો. અમલદારે ઓળખાણનો સ્વીકાર કર્યો, પણ એ ઓળખાણની સાથે જ તે વધારે અક્કડ થયા. 'એ ઓળખાણનો લાભ લેવા તો તું નથી આવ્યો ના?' એમ મેં તેની અક્કડાઈમાં જોયું, તેની આંખમાં વાંચ્યું. સમજતાં છતાં મેં મારું પ્રકરણ ઉખેળ્યું. સાહેબ અધીરા થયા. 'તારા ભાઈ ખટપટી છે. તારી પાસેથી વધારે વાત સાંભળવા હું નથી માગતો. મને વખત નથી. તારા ભાઈને જો કંઈ કહેવું હોય તો તે રીતસર અરજી કરે.' આ ઉત્તર બસ હતો, યથાર્થ હતો; પણ ગરજને જ્ઞાન ક્યાંથી હોય? હું તો મારું પ્રકરણ ચલાવી રહ્યો હતો. સાહેબ ઊઠ્યા. 'હવે તમારે જવું જોઈએ.'

મેં કહ્યું, 'પણ મારી વાત તો પૂરી સાંભળો.'

સાહેબ ખૂબ ખિજાયા. 'પટાવાળા, ઇસકો દરવાજા બતાઓ.'

'હજૂર' કહી પટાવાળો દોડી આવ્યો. હું તો હજુ કંઈક બકી રહ્યો હતો. પટાવાળાએ મને હાથ લગાડ્યો ને મને દરવાજાની બહાર કાઢ્યો.

સાહેબ ગયા, પટાવાળો ગયો. હું ચાલ્યો, અકળાયો, ખિજાયો. મેં તો ચિઠ્ઠી ઘસડી: 'તમે મારું અપમાન કર્યું છે, પટાવાળાની મારફતે મારી ઉપર હુમલો કર્યો છે. તમે માફી નહીં માગો તો તમારા ઉપર રીતસર ફરિયાદ કરીશ.' આ ચિઠ્ઠી મેં મોકલી. થોડી જ વારમાં સાહેબનો સવાર જવાબ આપી ગયો:

'તમે મારા તરફ અસભ્યપણે વર્ત્યા. તમને જવાનું કહ્યું છતાં તમે ન ગયા, તેથી મેં જરૂર મારા પટાવાળાને તમને દરવાજો દેખાડવા કહ્યું, ને પટાવાળાના કહેવા છતાં તમે કચેરી ન છોડી. તેણે તમને કચેરી બહાર કાઢવા પૂરતું બળ વાપર્યું. તમારે જે પગલાં લેવાં હોય તે લેવા તમે છૂટા છો.' જવાબની આ મતલબ હતી.

આ જવાબ ખિસ્સામાં મેલી ભોંઠો પડી ઘેર આવ્યો. ભાઈને વાત કહી. તે દુ:ખી થયા. પણ તે મને શું સાંત્વન આપે? વકીલ મિત્રોને વાત કરી. મને કેસ માંડતાં થોડો જ આવડતો હતો? આ સમયે સર ફિરોજશા