પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહેતા પોતાના કોઈક કેસસર રાજકોટમાં હતા. તેમને મારા જેવો નવો બારિસ્ટર તો ક્યાંથી મળી શકે? પણ તેમને રોકનાર વકીલની મારફતે તેમને કાગળિયાં મોકલી તેમની સલાહ પુછાવી. 'ગાંધીને કહો, આવા કિસ્સા તો બધા વકીલબારિસ્ટરના અનુભવમાં આવ્યા હશે. તું નવોસવો છે. તને હજુ વિલાયતની ખુમારી છે. તું બ્રિટિશ સમલદારને ઓળખતો નથી. જો તારે સુખેથી બેસવું હોય ને બે પૈસા કમાવા હોય તો તને મળેલી ચિઠ્ઠી ફાડી નાંખ અને થયેલું અપમાન ગળી જા. કેસ કરવામાં તને દોકડો એક નહીં મળે, ને તું ખુવાર થશે. જિંદગીનો અનુભવ તને હજુ હવે મળવાનો છે.'

મને આ શિખામણ કડવી ઝેર લાગી. પણ તે કડવો ઘૂંટડો ગળે ઉતાર્યે છૂટકો હતો. હું અપમાન ભૂલી તો ન જ શક્યો, પણ મેં તેનો સદુપયોગ કર્યો. 'આવી સ્થિતિમાં ફરી કોઈ દિવસ નહીં મુકાઉં, કોઈની સિફારસ આમ નહીં કરું.' આ નિયમનો કદી ભંગ નથી કર્યો. આ આઘાતે જિંદગીનું સુકાન બદલ્યું.

૫. દક્ષિણ આફ્રિકાની તૈયારી

અમલદારની પાસે મારું જવું અવશ્ય દોષમય હતું. પણ અમલદારની અધીરાઈ, તેનો રોષ, તેની ઉદ્ધતાઈ આગળ મારો દોષ અલ્પ થઈ ગયો. દોષની સજા ધક્કો નહોતો. હું તેની પાસે પાંચ મિનિટ પણ નહીં બેઠો હોઉં. મારું બોલવું જ તેને અસહ્ય લાગ્યું. તે મને વિવેકપૂર્વક જવાનું કહી શકતો હતો. પણ તેના અમલના નશાને કશી હદ નહોતી. પાછળથી મને ખબર પડી હતી કે આ અમલદારને ધીરજ જેવી તો વસ્તુ જ નહોતી. તેની પાસે જનારનું અપમાન કરવું એ તેને સારુ સામાન્ય વાત હતી. પોતાને ન ગમે તેવી વાત થઈ કે તુરત સાહેબનો મિજાજ જાય.

મારું ઘણું કામ તો તેની કોર્ટમાં હોય, ખુશામત કરવાનું તો મારાથી બને તેમ નહોતું. આ અમલદરને અયોગ્ય રીતે રીઝવવા હું માગતો નહોતો. તેની ઉપર ફરિયાદની ધમકી મોકલીને હું ફરિયાદ ન કરું ને તેને કંઈ ન લખું એ પણ મને ન ગમ્યું.

દરમ્યાન કાઠિયાવાડની ખટપટનો પણ મને કંઈક અનુભવ મળ્યો.