પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ તમને હું એ જગ્યા આપવા તૈયાર છું.' હું રાજી થયો. માલમનો આભાર માન્યો. શેઠને વાત કરીને ટિકિટ કઢાવી. ૧૮૯૩ના એપ્રિલ માસમાં હું હોંશભર્યો દક્ષિણ આફ્રિકામાં મારું નસીબ અજમાવવા ઊપડ્યો.

પહેલું બંદર લામુ હતું. ત્યાં પહોંચતા લગભગ તેર દિવસ થયા. રસ્તામાં કપ્તાનની સાથે ઠીક મહોબત જામી. કપ્તાનને શતરંજ રમવાનો શોખહતો. પણ તે હજુ નવશિખાઉ હતો. તેને પોતાના કરતા ઠોઠ રમનારાનો ખપ હતો તેથી મને રમવા નોતર્યો. મેં શતરંજની રમત કદી જોઈ નહોતી. તેને વિષે સાંભળ્યું ઠીક હતું એ રમતમાં અક્કલનો ઉપયોગ સારી પેઠે પડે છે એમ રમનારાઓ કહેતા. કપ્તાને મને પોતે શીખવશે એમ કહ્યું. હું તેને ઠીક મુરીદ મળ્યો, કેમ કે મને ધીરજ હતી. હું તો હાર્યા જ કરતો. તેમ તેમ કપ્તાનને શીખવવાનું શૂરાતન ચડતું ગયું. મને શતરંજની રમત ગમી. પણ તે કોઈ દહાડો સ્ટીમરથી નીચે ન ઉતરી. રાજા રાણી ઈત્યાદિ કેમ ચલાવી શકાય તે સમજાવા ઉપરાંત આવડત ન વધી.

લામુ બંદર આવ્યું. ત્યાં સ્ટીમર ત્રણ ચાર કલાક રોકાવાની હતી. હું બંદર જોવા નીચે ઊતર્યો. કપ્તાન પણ ગયો હતો. તેણે મને કહ્યું, અહીંનું બારું દગાખોર છે. તમે વહેલા પાછા વળજો.'

ગામ તો તદ્દન નાનું હતું. ત્યાંની પોસ્ટ ઑફીસે ગયો તો હિંદી નોકરો જોયા. તેથી રાજી થયો. તેમની સાથે વાતો કરી. હબસીઓને મળ્યો. તેમની રહેણી કરણીમાં રસ લાગ્યો. તેથી કઈંક વખત ગયો. બીજા કેટલાક ડેકના ઊતારુ હતા. તેમની સાથે મેં ઓળખાણ કરી હતી. તેઓ રસોઈ નિરાંતે જમવા સારુ નીચે ઊતર્યા હતાં. હું તેમની હોડીમાં બેઠો. બારામાં ઠીક ભરતી હતી. અમારી હોડી પર ભાર સારો હતો. તાણ એટલું બધું હતું કે હોડીએનું દોરડું સ્ટીમરની સીડી પાસાથે કેમે કર્યું બંધાય જ નહીં. હોડી સીડીની પાસે જાય ને સરકી જાય. સ્ટીમર ઊપડવાની પહેલી સીટી થઈ. હું ગભરાયો. કપ્તાન ઉપરથી જોઈ રહ્યો હતો. તેણે પાંચ મિનિટ સ્ટીમર થોભાવવા કહ્યું. સ્ટીમરની પાસે એક મછવો હતો તેને દસ રૂપિયા આપી મારે સારુ એક મિત્રે ભાડે કર્યો, ને તે મછવાએ પેલી હોડીમાંથી મને ઊંચકી લીધો. સ્ટીમરની સીડી ઉપડી ગઈ હતી. દોરડાથી મને