પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઝાંઝીબારથી મોઝામ્બિક ને ત્યાંથી માસની લગભગ આખરે નાતાલ પહોંચ્યો.

૭. અનુભવોની વાનગી

નાતાલનુંનાતાલનું બંદર ડરબન કહેવાય છે અને નાતાલ બંદરને નામે પણ ઓળખાય છે. મને લેવાને અબદુલ્લા શેઠ આવ્યા હતા. સ્ટીમર ડક્કામાં આવી અને નાતાલના લોકો સ્ટીમર ઉપર પોતાના મિત્રોને લેવા આવ્યા ત્યાં જ હું સમજી ગયો કે અહીં હિંદીઓને બહુ માન નથી, અબદુલ્લા શેઠને ઓળખનારા જે પ્રમાણે તેમની સાથે વર્તતા હતા તેમાંય એક પ્રકારની તોછડાઈ હું જોઈ શકતો હતો, જે મને ડંખતી હતી. અબદુલ્લા શેઠને આ તોછડાઈ સદી ગઈ હતી. મને જેઓ જોતા હતા તે કંઈક કુતૂહલથી નિહાળતા હતા. મારા પોશકથી હું બીજા હિંદીઓમાંથી કંઈક તરી આવતો હતો. મેં તે વેળા 'ફ્રૉકકોટ' વગેરે પહેર્યાં હતાં અને માથે બંગાળી ઘાટની પાઘડી પહેરી હતી.

મને ઘેર લઈ ગયા. પોતાની કોટડીની પડખે એક કોટડી હતી તે મને અબદુલ્લા શેઠે આપી. તે મને ન સમજે, હું તેમને ન સમજું. તેમના ભાઈએ અપેલાં કાગાળિયાં તેમણે વાંચ્યાંને વધારે ગભરાયા. તેમને લાગ્યું કે ભાઈએ તો તેમને સફેદ હાથી બાંધ્યો. મારી સાહેબશાઈ રહેણી તેમને ખર્ચાળ લાગી. મારે સારુ ખાસ કામ તે વખતે નહોતું. તેમનો કેસ તો ટ્રાન્સવાલમાં ચાલતો હતો. તુરત મને ત્યાં મોકલીને શું કરે? વળી મારી હોશિયારીનો કે પ્રમાણિકપણાનો વિશ્વાસ પણ કેટલી હદ સુધી કરાય? પ્રિટોરિયામાં પોતે મારી સાથે હોય જ નહીં. પ્રતિવાદી પ્રિટોરિયામાં જ હોય. તેની મારા ઉપર આયોગ્ય અસર થાય તો? જો મને આ કેસનું કામ ન સોંપે તો બીજું કામ તો તેમના મહેતા મારા કરતાં ઘણું સારું કરી શકે. મહેતા ભૂલ કરે તો તેને ઠપકો દેવાય. હું ભૂલ કરું તો ? કાં તો કેસનું, કાં તો મહેતાગીરીનું આ ઉપરાંત ત્રીજું કામ ન મળે. એટલે, જો કેસનું કામ ન સોંપાય તો મને ઘેર બેઠા ખવડાવવું રહ્યું.

અબદુલ્લા શેઠનું અક્ષરજ્ઞાન ઘણું ઓછું હતું, પણ અનુભવજ્ઞાન પુષ્કળ હતું. તેમની બુદ્ધિ તીવ્ર હતી. અને એ વાતનું તેમને પોતાને ભાન હતું.