પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અંગ્રેજી જ્ઞાન કેવળ વાતચીત પૂરતું મહાવરાથી મેળવી લીધું હતું. પણ એવા અંગ્રેજી મારફત પોતાનું બધું કામ ઉકેલી શક્તા. બૅંકના મૅનેજરો સાથે વાતો કરે, યુરોપિયન વેપારીઓ સાથે સોદા કરી આવે, વકીલોને પોતાનો કેસ સમજાવી શકે. હિંદીઓમાં તેમનું માન ખૂબ હતું. તેમની પેઢી તે વેળા બધી હિંદી પેઢીઓમાં મોટી હતી. અથવા મોટીમાંની એક તો હતી જ. તેમની પ્રકૃતિ વહેમી હતી.

તેમને ઈસ્લામનું અભિમાન હતું. તત્વ જ્ઞાનની વાતોનો શોખ રાખતા. અરબી ન આવાડતું , છતાં કુરાન શરીફની અને સામાન્ય રીતે ઈસ્લામી ધર્મ સાહિત્યની માહિતી સારી ગણાય. દ્રષ્ટાંતો તો હાજર જ હોય. તેમના સહવાસથી મને ઈસ્લામનું વ્યવહારિક જ્ઞાન ઠીક મળ્યું. અમે એક બીજાને ઓળખાતા થયા ત્યાર પછી તે મારી સાથે ધર્મચર્ચા પુષ્કળ કરતા.

બીજે કે ત્રીજે દિવસે મને ડરબનની કોર્ટ જોવાને લઈ ગયા. ત્યાં કેટલીક ઓળખાણો કરાવી. કોર્ટમાં પોતાના વકીલની પાસે મને બેસડ્યો. મૅજિસ્ટ્રેટ મારી સામું જોયા કરે. તેણે મને મારી પાઘડી ઉતારવા કહ્યું. મેં તે ઉતારવાની ના પાડી, ને કોર્ટ છોડી.

મારે નસીબે તો અહીં પણ લડાઈ જ હતી.

પાઘડી ઉતારવાનો ભેદ અબદુલ્લ્લા શેઠે સમજાવ્યો. મુસલમાની પોશાક જેણે પહેર્યો હોય તે પોતાની મુસલમાની પાઘડી પહેરી શકે. બીજા હિંદીઓએ કોર્ટમાં દાખલ થતાં પોતાની પાઘડી ઉતારવી જોઈએ.

આ ઝીણો ભેદ સમજાવવા સારુ કેટલીક હકીકતમાં મારે ઊતરવું પડશે.

મેં આ ત્રણ દિવસમાં જ જોઈ લીધું હતું કે હિંદીઓ પોતપોતાના વાડા રચીને બેસી ગયા હતા. એક ભાગ મુસલમાની વેપારીનો - તેઓ પોતાને 'અરબ'ને નામે ઓળખાવે. બીજો ભાગ હિંદુ કે પારસી મહેતાઓનો. હિંદુ મહેતા અદ્ધર લટકે. કોઈ 'અરબ'માં ભળે. પારસી પર્શિયન તરીકે ઓળખાવે. આ ત્રણને વેપારની બહારનો અરસપરસ સંબંધ ઓછાવત્તા પ્રમાણમાં ખરો. એક ચોથો ને મોટો વર્ગ તે તામિલ , તેલુગુને ઉત્તર તરફના ગિરમીટિયાનો અને ગિરમીટમુક્ત હિંદીઓનો. ગિરમીટ એટલે, જે કરાર કરીને પાંચ વર્ષની મજૂરી કરવા ગરીબ હિંદીઓ તે વેળા નાતાલ