પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માગવા ફરમાવ્‍યું. તેમણે માફી માગવાની ના પાડી તેથી થોડા કલાકને સારુ હાજતમાં પણ રહેલા. છતાં તે ન ડગ્‍યા તેથી અંતે સાહેબે તેમને છોડી દેવાનો હુકમ કર્યોં.

પિતાશ્રીએ દ્રવ્‍ય એકઠું કરવાનો લોભ કદી નહોતો રાખ્‍યો. તેથી અમે ભાઈઓ સારુ જૂજ મિલકત મૂકી ગયેલા. પિતાની કેળવણી કેવળ અનુભવની હતી. જેને આજે આપણે ગુજરાતી પાંચ ચોપડીનું જ્ઞાન ગણીએ તેટલી કેળવણી તે પામેલ હશે. ઇતિહાસ-ભૂગોળનું જ્ઞાન તો મુદ્દલ ન મળે. આમ છતાં વ્‍યવહારુ જ્ઞાન એવા ઊંચા પ્રકારનું હતું કે ઝીણામાં ઝીણા પ્રશ્નોના ઉકેલ કરવામાં કે હજાર માણસોની પાસે કામ લેવામાં તેમને મુશ્‍કેલી ન આવતી. ધાર્મિક કેળવણી નહીં જેવી હતી, પણ મંદિરોમાં જવાથી કથા વગેરે સાંભળીને જે ધર્મજ્ઞાન અસંખ્‍ય હિંદુઓને સહેજે મળી રહે છે તે તેમને હતું. છેવટના વર્ષમાં એક વિદ્ધાન બ્રાહ્મણ જેઓ કુટુંબના મિત્ર હતા તેમની સલાહથી તેમણે ગીતાપાઠ શરૂ કર્યો હતો અને રોજ થોડાઘણા શ્લોકો પોતાના પૂજાને સમયે ઊંચે સ્‍વરે પાઠ કરી જતા.

માતા સાધ્‍વી સ્‍ત્રી હતી એવી મારા ઉપર છાપ રહેલી છે. તુ બહુ ભાવિક હતી. પૂજાપાઠ વિના કદી ન જમે. હવેલીએ હંમેશા જાય. હું સમજણો થયો ત્‍યારથી તેણે કદી ચાતુર્માસ છોડયા હોય એવું મને સ્‍મરણ નથી. કઠણમાં કઠણ વ્રતો તે આદરતી અને નિર્વિધ્‍ને પૂરાં કરતી. લીધેલાં વ્રત માંદી પડે તોપણ ન જ છોડે. એવો એક સમય મને યાદ છે કે જયારે તેણે ચાંદ્રાયણ વ્રત લીધેલું, તેમાં માંદી પડેલી પણ વ્રતને ન છોડેલું. ચાતુર્માસમાં એકટાણાં કરવાં એ તો તેને સામાન્‍ય વાત હતી. એટલેથી સંતોષ ન વાળતાં એક ચાતુર્માસમાં તેણે ધારણાંપારણાં કરેલાં. બેત્રણ સામટા ઉપવાસ એ એને મન નજીવી વાત હતી. એક ચાતુર્માસમાં તેનું એવું વ્રત હતું કે સૂર્યનારાયણનાં દર્શન કર્યા પછી જ જમાય. આ ચોમાસે અને છોકરા વાદળ સામું જોઈ રહીએ કે ક્યારે સૂર્ય દેખાય ને ક્યારે મા જમે. ચોમાસામાં ઘણી વેળા દર્શન દોહ્યલાં થાય એ તો સહુ જાણે છે. એવા દિવસો યાદ છે કે જ્યારે સૂર્યને અમે જોઈએ, ‘બા, બા, સૂરજ દેખાયો’ કહીએ ને બા ઉતાવળી ઉતાવળી આવે ત્‍યાં તો સૂરજ