પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતા. ખ્રિસ્તી તે, ગિરમીટિયા હિંદી જે ખ્રિસ્તી થયેલા તેની પ્રજા. આ સંખ્યા ૧૮૯૩માં પણ મોટી હતી. તેઓ બધાં અંગ્રેજી પોશાક જ પહેરે. તેમાંનો સારો ભાગ હોટેલોમાં નોકરી કરીને આજીવિકા પેદા કરે. આ ભાગને ઉદ્દેશીને અંગ્રેજી ટોપીની ટીકા અબદુલ્લા શેઠનાં વાક્યોમાં હતી. હોટેલમાં 'વેટર' તરીકે ખપવામાં હલકાઈ એ માન્યતા તેમાં રહેલી હતી. આજ પણ એ ભેદ તો ઘણાને વસે.

મને અબ્દુલ્લા શેઠની દલીલ એકંદર ગમી. મેં પાઘડીના કિસ્સા ઉપર મારા ને પાઘડીના બચાવનો કાગળ છાપામાં લખ્યો. છાપામાં મારી પાઘડીની ખૂબ ચર્ચા થઈ. 'અનવેલકમ વિઝિટર' - 'વણ નોતર્યો પરોણો' - એવા મથાળાથી હું છાપે ચઢ્યો, ને ત્રણ ચાર દિવસની અંદર જ, અનાયાસે, મને દક્ષિણ આફ્રિકામાં જાહેરાત મળી. કોઈએ મારો પક્ષ લીધો, કોઈએ મરી ઉદ્ધતાઈની ખૂબ નિંદા કરી.

મારી પાઘડી તો લગભગ છેવટ લગી રહી. ક્યારે ગઈ તે આપણે અંતના ભાગમાં જોશું.


૮. પ્રિટોરિયા જતાં

ડરબનમાં રહેતાં ખ્રિસ્તી હિંદિઓના સંબંધમાં પણ હું તુરત આવ્યો. ત્યાંની કોર્ટના દુભાષિયા મિ. પૉલ રોમન કૅથલિક હતા. તેમની ઓળખાણ કરીને પ્રૉટેસ્ટન્ટ મિશનમાંના શિક્ષક મરહૂમ મિ. સુભાન ગૉડફ્રેની પણ ઓળખાણ કરી. એમના જ પુત્ર જેમ્સ ગૉડફ્રે અહીં દક્ષિણ આફ્રિકાના હિંદી પ્રતિનિધિમંડળમાં ગયે વર્ષે આવ્યા હતા. આ જ દિવસોમાં મરહૂમ પારસી રુસ્તમજીની ઓળખાણ થઈ. અને તે જ વેળા મરહૂમ આદમજી મિયાંખાનની ઓળખાણ કરી. આ બધા ભાઇઓ કામ પ્રસંગ સિવાય એકબીજાને ન મળતા તે હવે પછી મળતા થવાના છે.

આમ, હું પરિચયો કરી રહ્યો હતો તેવામાં પેઢીના વકીલ તરફથી કાગળ મળ્યો કે, કેસને સારુ તૈયારી થવી જોઇએ ને અબ્દુલ્લા શેઠે પોતે પ્રિટોરિયા જવું જોઇએ અથવા કોઇને ત્યાં મોકલવો જોઇએ.

આ કાગળ અબ્દુલ્લા શેઠે મને વંચાવ્યો ને પૂછ્યું, 'તમે પ્રિટોરિયા જશો?' મેં કહ્યું, 'મને કેસ સમજાવો તો હું કહી શકું. અત્યારે તો હું ન