પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાણું કે ત્યાં શું કરવાનું છે.' તેમણે તેમના મહેતાઓને કેસ સમજાવવામાં રોક્યા.

મેં જોયું કે મારે તો એકડેએકથી શરૂ કરવું પડશે. ઝાંઝીબારમાં હું ઊતર્યો ત્યારે ત્યાંની અદાલતનું કામ જોવા ગયેલો. એક પારસી વકીલ કોઇ સાક્ષીની જુબાની લઈ રહ્યા હતા ને જમેઉધારના સવાલો પૂછતા હતા. મને તો જમેઉધારની ખબર જ ન પડે. નામું નહોતો શીખ્યો નિશાળમાં કે નહોતો શીખ્યો વિલાયતમાં.

મેં જોયું કે આ કેસનો આધાર ચોપડાઓ ઉપર છે. નામાનું જ્ઞાન હોય તે જ કેસ સમજી શકે. જમેઉધારની વાતો મહેતો કરે ને હું ગભરાઉં. પી. નોટ એટલે શું એ ન જાણું. શબ્દકોશમાં એ શબ્દ મળે નહીં. મારું અજ્ઞાન મેં મહેતાની આગળ ઉઘાડું કર્યું ને તેની પાસેથી જાણ્યું કે પી. નોટ એટલે પ્રૉમિસરી નોટ. નામાની ચોપડી ખરીદી ને વાંચી ગયો. કઈંક આત્મવિશ્વાસ આવ્યો. કેસની સમજણ પડી. મેં જોયું કે અબ્દુલ્લા શેઠ નામ લખી ન જાણતા, પણ વ્યાવહારિક જ્ઞાન એટલું બધું મેળવી લીધું હતું કે નામાના કોયડા ઝપાટાબંધ ઉકેલી શકે. મેં તેમને જણાવ્યું, 'હું પ્રિટોરિયા જવા તૈયાર છું.'

'તમે ક્યાં ઊતરશો?' શેઠે પૂછ્યું.

'તમે જ્યાં કહો ત્યાં,' મેં જવાબ આપ્યો.

'ત્યારે હું મારા વકીલને લખીશ. તે તમારે સારુ ઉતારાનો બંદોબસ્ત કરશે. પ્રિટોરિયામાં મારા મેમણ દોસ્તો છે તેમને હું લખીશ ખરો, પણ તમે તેમને ત્યાં ઊતરો તે સારું નહીં. ત્યાં સામાવાળાની વગ ઘણી છે. તમારી ઉપર ખાનગી કાગળો વગેરે આવે તે બધું તેમનામાંથી કોઇ વાંચે તો આપણા કેસને નુક્શાન પહોંચે. તેમની સાથે જેમ ઓછો સંબંધ હોય તેમ સારું.'

મેં કહ્યું, 'તમારા વકીલ જ્યાં રાખશે ત્યાં હું રહીશ. અથવા હું કોઇ નોખું ઘર શોધી લઈશ. તમે નિશ્ચિત રહેજો, તમારી એક પણ ખાનગી વાત બહાર નહીં જાય. પણ હું મળતો હળતો બધાને રહીશ. મારે તો સામેવાળા સાથે પણ મિત્રાચારી સાધવી છે. મારાથી બને તો હું આ કેસ ઘરમેળે પતે એવું પણ કરું. છેવટ તો તૈયબ શેઠ તમારા સગા જ છે ના?'