પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રતિસ્પર્ધી મરહૂમ તૈયબ હાજી ખાનમહમદ અબદુલ્લા શેઠના નજીકના સગા હતા.

અબદુલ્લા શેઠ કઈંક ચમક્યા એમ મેં જોયું. પણ આ વાત થઈ ત્યારે મને ડરબનમાં પહોંચ્યાને છ સાત દિવસ થઈ ગયા હતા. અમે એકબીજાને જાણતા અને સમજતા થઈ ગયા હતા. હું 'સફેદ હાથી' લગભગ મટી ગયો હતો. તે બોલ્યા:

'હા...આ...આ. જો સમાધાની થાય તો એના જેવું તો કંઇ જ રૂડું નહીં. પણ અમે તો સગા છીએ, એટલે એકબીજાને બરોબર ઓળખીએ. તૈયબ શેઠ ઝટ માને એવા નથી. આપણે ભોળા થઈએ તો આપણા પેટની વાત કઢાવે ને પછી આપણને ફસવે. માટે જે કરો તે ચેતીને કરજો.'

હું બોલ્યો, 'તમે મુદ્દલ ફિકર ન કરજો. મારે કેસની વાત તૈયબ શેઠ કે કોઇની પાસે કરવાની જ ન હોય. હું તો એટલું જ કહું કે બંને ઘરમેળે કેસ સમજી લો તો વકીલોનાં ઘર ભરવાં ન પડે.'

સાતમે કે આઠમે દહાડે હું ડરબનથી રવાના થયો. મારે સારુ પહેલા વર્ગની ટિકિટ કઢાવી. ત્યાં સૂવાની પથારી જોઇએ તો પાંચ શિલિંગની નોખી ટિકિટ કઢાવવી પડતી હતી. અબદુલ્લા શેઠે તે કઢાવવા આગ્રહ કર્યો, પણ મેં હઠમાં, મદમાં તે પાંચ શિલિંગ બચાવવા પથારીની ટિકિટ કઢાવવાની ના પાડી.

અબદુલ્લા શેઠે મને ચેતવ્યો, 'જોજો, આ મુલક જુદો છે, હિંદુસ્તાન નથી. ખુદાની મહેરબાની છે. તમે પૈસાની કંજૂસાઇ ન કરજો. જોઇતી સગવડ મેળવી લેજો.'

મેં આભાર માન્યો ને તેમને ચિંતા ન કરવા કહ્યું.

નાતાલની રાજધાની મૅરિત્સબર્ગમાં ટ્રેન નવેક વાગ્યે પહોંચી. અહીં પથારી આપવામાં આવતી હતી. કોઇ રેલવેના નોકરે આવીને પૂછ્યું, 'તમારે પથારી જોઇએ છે?'

મેં કહ્યું, 'મારી પાસે મારી પથારી છે.'

તે ચાલ્યો ગયો. દરમ્યાન એક ઉતારુ આવ્યો. તેણે મારી સામે જોયું. મને ભાતીગર જોઇ મૂંઝાયો. બહાર નીકળ્યો. એક બે અમલદારોને લઈ આવ્યો. કોઇએ મને કંઈ ન કહ્યું. છેવટે એક અમલદાર આવ્યો. તેણે