પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સવારના પહોરમાં મેં જનરલ મૅનેજરને ફરિયાદનો લાંબો તાર કર્યો. દાદા અબદુલ્લાને પણ ખબર આપ્યા. અબદુલ્લા શેઠ તુરત જનરલ મૅનેજરને મળ્યા. જનરલ મૅનેજરે પોતાના માણસોના વર્તનનો બચાવ કર્યો, પણ જણાવ્યું કે મને વગર હરકતે મારે સ્થળે પહોંચાડવા સ્ટેશન-માસ્તરને ભલામણ કરી છે. અબદુલ્લા શેઠે મૅરિત્સબર્ગના હિંદુ વેપારીઓને પણ મને મળવા ને મારી બરદાસ કરવા તાર કર્યો ને બીજાં સ્ટેશનોએ પણ તેવા તારો મોકલ્યા. તેથી વેપારીઓ મને સ્ટેશન ઉપર મળવા આવ્યા. તેમણે પોતાની ઉપર પડતાં દુઃખોનું વર્ણન મારી પાસે કર્યું અને મને કહ્યું કે તમારા પર વીત્યું તે કંઇ નવાઈની વાત નથી. પહેલા બીજા વર્ગમાં હિંદીઓ મુસાફરી કરે તેને અમલદારો તેમ જ મુસાફર તરફથી અડચણ તો પહોંચે જ. આવી વાતો સાંભળવામાં દિવસ ગયો. રાત પડી ટ્રેન આવી. મારે સારુ જગ્યા તૈયાર જ હતી. જે પથારીની ટિકિટ લેવા મેં ડરબનમાં ના પાડી હતી તે મૅરિત્સબર્ગમાં લીધી. ટ્રેન મને ચાર્લ્સટાઉન લઈ ચાલી.


૯. વધુ હાડમારી

ચાર્લ્સટાઉન ટ્રેન છેક સવારે પહોંચે. ચાર્લ્સટાઉનથી જોહાનિસબર્ગ સુધી પહોંચવાને સારુ તે કાળે ટ્રેન નહોતી પણ ઘોડાનો સિગરામ હતો. અને વચમાં સ્ટૅન્ડરટનમાં એક રાત રહેવાનું હતું. મારી પાસે સિગરામની ટિકિટ હતી. એ ટિકિટ કાંઇ હું એક દિવસ મોડો પહોંચ્યો તેથી રદ થતી નહોતી. વળી અબદુલ્લા શેઠે ચાર્લ્સટાઉન સિગરામવાળા ઉપર તાર પણ મોકલાવ્યો હતો. પણ એને તો બહાનું જ કાઢવું હતું તેથી મને કેવળ અજાણ્યો જાણી કહ્યું, 'તમારી ટિકિટ તો રદ થઈ છે.' મેં યોગ્ય જવાબ આપ્યો. ટિકિટ રદ થઈ છે એમ કહેવાનું કારણ તો જુદું જ હતું. ઉતારુઓ બધા સિગરામની અંદર જ બેસે. પણ હું તો 'કુલી' ગણાઉં, અજાણ્યો લાગું, તેથી મને ગોરા ઉતારુઓની પાસે બેસાડવો ન પડે તો સારું, એવી સિગરામવાળાની દાનત. સિગરામની બહાર, એટલે હાંકનારને પડખે ડાબી અને જમણી બાજુએ, એમ બે બેઠકો હતી. તેમાંથી એક બેઠક ઉપર સિગરામની કંપનીનો એક મુખી ગોરો બેસતો.