પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ અંદર બેઠો અને મને હાંકનારની પડખે બેસાર્યો. હું સમજી ગયો કે આ કેવળ અન્યાય જ છે, અપમાન છે. પણ અપમાનને પી જવું યોગ્ય ધાર્યું. મારાથી બળજોરી કરીને અંદર બેસી શકાય એવું તો નહોતું જ. હું તકરારમાં ઊતરું તો સિગરામ જાય અને વળી મારે એક દિવસ ખોટી થાય; ને બીજે દિવસે વળી શું થાય એ તો દૈવ જાણે. એટલે હું ડાહ્યો થઈને બહાર બેસી ગયો. મનમાં તો ખૂબ કોચવાયો.

ત્રણેક વાગ્યે સિગરામ પારડીકોપ પહોંચ્યો. હવે પેલા ગોરા મુખીને હું જ્યાં બેઠો હતો ત્યાં બેસવાની ઇચ્છા થઈ. તેને બીડી પીવી હતી. જરા હવા પણ ખાવી હશે. એટલે એણે મેલું સરખું ગૂણિયું પડ્યું હતું તે પેલા હાંકનારની પાસેથી લઈ પગ રાખવાના પાટિયા ઉપર પાથર્યું ને મને કહ્યું, 'સામી, તું અહીયાં બેસ, મારે હાંકનારની પાસે બેસવું છે.' આ અપમાન સહન કરવા હું અસમર્થ હતો. તેથી મેં બીતાં બીતાં તેને કહ્યું, 'તમે મને અહીં બેસાડ્યો એ અપમાન મેં સહન કરી લીધું; મારી જગ્યા તો અંદર બેસવાની, પણ તમે અંદર બેસીને મને અહીં બેસાડ્યો. હવે તમને બહાર બેસવાની ઇચ્છા થઈ છે અને બીડી પીવી છે, તેથી તમે મને તમારા પગ આગળ બેસાડવા ઇચ્છો છો. હું અંદર જવા તૈયાર છું, પણ હું તમારા પગની પાસે બેસવા તૈયાર નથી.'

આટલું હું માંડ કહી રહું તેટલામાં તો મારા ઉપર તમાચાનો વરસાદ વરસ્યો અને પેલાએ મારું બાવડું ઝાલીને મને ઘસડવા માંડ્યો. મેં બેઠકની પાસે પીતળના સળિયા હતા તે ઝોડની જેમ પકડી રાખ્યા, અને કાંડું ખડે તોયે સળિયા નથી છોડવા એમ નિશ્ચય કર્યો. મારા ઉપર વીતી રહી હતી તે પેલા ઉતારુઓ જોઇ રહ્યા હતા. પેલો મને ગાળો કાઢી રહ્યો હતો, ખેંચી રહ્યો હતો, ને મારી પણ રહ્યો હતો, પણ હું ચૂપ હતો. પેલો બળવાન અને હું બળહીન. ઉતારુઓમાંના કેટલાકને દયા આવી અને તેમનામાંના કોઇ બોલી ઊઠ્યા: 'અલ્યા એ, એ બિચારાને ત્યાં બેસવા દે; તેને નકામો માર નહીં. તેની વાત સાચી છે. ત્યાં નહીં તો તેને અમારી પાસે અંદર બેસવા દે.' પેલો બોલી ઊઠ્યો: 'કદી નહીં.' પણ જરા ભોંઠો પડ્યો ખરો. તેથી મને તેણે મારવાનું બંધ કર્યું, મારું બાવડું છોડ્યું. બે ચાર ગાળો તો વધારે દીધી, પણ એક હૉટેન્ટૉન નોકર પેલી