પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાજુએ હતો તેને પોતાના પગ આગળ બેસાડ્યો અને પોતે બહાર બેઠો. ઉતારુઓ અંદર બેઠા. સીટી વાગી. સિગરામ ચાલ્યો. મારી છાતી તો થડકતી જ હતી. હું જીવતો મુકામે પહોંચીશ કે નહીં એ વિષે મને શક હતો. પેલો મારી સામે ડોળા કાઢ્યાં જ કરે. આંગળી બતાવી બબડ્યાં કરે: 'યાદ રાખ, સ્ટૅન્ડરટન પહોંચવા દે, પછી તને ખબર પાડીશ.' હું તો મૂંગો જ રહ્યો અને મારી વહાર કરવા પ્રભુને અરજી કરતો રહ્યો.

રાત પડી. સ્ટૅન્ડરટન પહોંચ્યા. કેટલાક હિંદી ચહેરા જોયા. મને કંઈક શાંતિ વળી. નીચે ઊતરતાં જ હિંદીઓએ કહ્યું: 'અમે તમને ઈસા શેઠની દુકાને લઈ જવાને જ ઊભા છીએ. અમારા ઉપર દાદા અબદુલ્લાનો તાર છે.' હું બહુ રાજી થયો. તેમની સાથે શેઠ ઈસા હાજી સુમારની દુકાને ગયો. મારી આસપાસ શેઠ અને તેમના વાણોતરો વીંટળાઇ વળ્યા. મારા ઉપર જે વીતી હતી તેની વાત કરી. તેઓ બહુ દિલગીર થયા અને પોતાના કડવા અનુભવો વર્ણવી મને આશ્વાસન આપ્યું. મારે તો સિગરામ કંપનીના એજંટને મારા ઉપર વીતેલી જણાવવી હતી. મેં એજંટ ઉપર ચિઠ્ઠી લખી, પેલા માણસે ધમકી આપી હતી તે પણ જણાવ્યું, અને સવારે આગળ મુસાફરી થાય ત્યારે મને અંદર બીજા ઉતારુઓને પડખે જગ્યા મળે એવી ખાતરીની માગણી કરી. ચિઠ્ઠી એજંટને મોકલી. એજંટે મને સંદેશો મોકલ્યો: 'સ્ટૅન્ડરટનથી મોટો સિગરામ હોય છે અને હાંકનારા વગેરે બદલાય છે. જેની સામે તમે ફરિયાદ કરી છે તે માણસ આવતી કાલે નહીં હોય. તમને બીજા ઉતારુઓની પડખે જ જગ્યા મળશે.' આ સંદેશાથી મને કંઈક નિરાંત વળી. પેલા મારનારની ઉપર કાંઇ પણ કામ ચલાવવાનો વિચાર તો મેં કર્યો જ નહોતો, એટલે આ મારનું પ્રકરણ અહીં જ બંધ રહ્યું. સવારે મને ઈસા શેઠના માણસો સિગરામ પર લઈ ગયા. મને યોગ્ય જગ્યા મળી. કોઈ જાતની હાલાકી વિના તે રાત્રે જોહાનિસબર્ગ પહોંચ્યો.

સ્ટૅન્ડરટન નાનકડું ગામ. જોહાનિસબર્ગ વિશાળ શહેર. ત્યાં પણ અબદુલ્લા શેઠે તાર તો કર્યો જ હતો. મને મહમદ કાસમ કમરુદ્દીનની દુકાનનાં નામઠામ પણ આપ્યાં હતાં. તેમનો માણસ જ્યાં સિગરામ ઊભો રહેતો ત્યાં આવેલ, પણ ન મેં તેને જોયો, ન માણસ મને ઓળખી શક્યો. મેં હોટલમાં જવાનો વિચાર કર્યો. બે ચાર હોટેલનાં નામ જાણી