પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચિઠ્ઠી મોકલી. ચિઠ્ઠીમાં હું બારિસ્ટર છું એમ તેને જણાવ્યું; હમેશાં પહેલા વર્ગમાં જ મુસાફરી કરું છું એમ પણ જણાવ્યું; પ્રિટોરિયા તુરત પહોંચવાની આવશ્યકતા તરફ તેનું ધ્યાન ખેંચ્યું; અને તેને લખ્યું કે, તેના જવાબની રાહ જોવા જેટલો મને વખત નહીં રહે તેથી એ ચિઠ્ઠીનો જવાબ લેવા હું પંડે જ સ્ટેશન ઉપર પહોંચીશ અને પહેલા વર્ગની ટિકિટ મેળવવાની આશા રાખીશ. આમાં મારા મનમાં થોડોક પેચ હતો. મેં એમ ધાર્યું હતું કે સ્ટેશન-માસ્તર લેખીતવાર જવાબ તો 'ના'નો જ આપશે. વળી 'કુલી' બારિસ્ટર કોણ જાણે કેવાય રહેતા હશે એ પણ એ કાંઈ વિચારી ન શકે. તેથી હું અણિશુદ્ધ અંગ્રેજી પોશાકમાં તેની સામે જઈ ઉભો રહીશ, અને તેની સાથે વાતો કરીશ એટલે સમજી જઈ તે કદાચ મને ટિકિટ આપશે. તેથી હું ફ્રોકકોટ, નેકટાઇ વગેરે ચડાવીને સ્ટેશને પહોંચ્યો. માસ્તરની સામે ગીની કાઢીને મૂકી અને પહેલા વર્ગની ટિકિટ માગી.

તેણે કહ્યું, 'તમે જ મને ચિઠ્ઠી લખી છે કે?'

મેં કહ્યું, 'એ જ હું. મને તમે ટિકિટ આપશો તો હું આભારી થઈશ. મારે પ્રિટોરિયા આજે પહોંચવું જોઇએ.'

સ્ટેશન-માસ્તર હસ્યો. તેને દયા આવી. તે બોલ્યો, 'હું ટ્રાન્સવાલર નથી. હું હોલૅન્ડર છું. તમારી લાગણી સમજી શકું છું. તમારા તરફ મારી દિલશોજી છે. હું તમને ટિકિટ આપવા ઈચ્છું છું. પણ એક શરતે—જો તમને રસ્તામાં ગાર્ડ ઉતારી પાડે અને ત્રીજા વર્ગમાં બેસાડે તો તમારે મને સંડોવવો નહીં, એટલે કે, તમારે રેલવે ઉપર દાવો ન કરવો. હું ઇચ્છું છું કે તમારી મુસાફરી નિર્વિઘ્ને પાર ઊતરો. તમે સજ્જન છો એમ હું જોઇ શકું છું.' આમ કહી તેણે ટિકિટ કાપી. મેં તેનો ઉપકાર માન્યો અને તેને નિશ્ચિંત કર્યો. અબદુલ ગની શેઠ વળાવવા આવ્યા હતા. આ કૌતક જોઇ તેઓ રાજી થયા, આશ્ચર્ય પામ્યા, પણ મને ચેતવ્યો: 'પ્રિટોરિયા સાંગોપાંગ પહોંચો એટલે પત્યું. મને ધાસ્તી છે કે ગાર્ડ તમને પહેલા વર્ગમાં સુખે બેસવા નહીં દે. અને ગાર્ડ બેસવા દેશે તો ઉતારુઓ નહીં બેસવા દે.'

હું તો પહેલા વર્ગના ડબામાં બેઠો. ટ્રેન ચાલી. જર્મિસ્ટન પહોંચી ત્યાં ગાર્ડ ટિકિટ તપાસવા નીકળ્યો. મને જોઇને જ ચિડાયો. આંગળી વતી ઇશારો કરીને કહ્યું: 'ત્રીજા વર્ગમાં જા.' મેં મારી પહેલા વર્ગની ટિકિટ