પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભાગી જાય. ‘કંઈ નહીં, આજે નસીબમાં ખાવાનું નહીં હોય’ કહી પાછી જાય ને પોતાના કામમાં ગૂંથાઈ જાય.

માતા વ્‍યવહારકુશળ હતી. દરબારી બધી વાતો જાણે. રણવાસમાં તેની બુદ્ધિની આંકણી ઠીક મુકાતી. હું બાળક હોઈ કોઈ કોઈ વેળા મને મા દરબારગઢમાં સાથે લઇ જતી. ‘બામાસાહેબ’ ની સાથે થતા સંવાદો મને કેટલાક હજી યાદ છે.

આ માતપિતાને ત્‍યાં હું સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ને દિવસે, એટલે સને ૧૮૬૯ના ઑક્ટોબરની બીજી તારીખે, પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્‍મ પામ્‍યો.

બચપણ પોરબંદરમાં જ ગયું. કોઇ ‍નિશાળમાં મને મૂકવામાં આવેલો એવું યાદ છે. મુશ્‍કેલીથી થોડા પાડા શીખેલો. તે કાળે છોકરાઓની સાથે હું મહેતાજીને માત્ર ગાળ દેતાં શીખેલો એટલું યાદ છે, અને બીજું કાંઈ જ યાદ નથી. તેથી હું અનુમાન કરું છું કે મારી બુદ્ધિ મંદ હશે, અને યાદશક્તિ જે કડી અમે છોકરા ગાતા તેમાંના કાચા પાપડના જેવી હશે. એ લીટીઓ મારે આપવી જ જોઈએ:

એકડે એક, પાપડ શેક;
પાપડ કચ્‍ચો, ___ મારો ___

પહેલી ખાલી જગ્‍યાએ માસ્‍તરનું નામ હોય. તેને હું અમર કરવા નથી ઈચ્‍છતો. બીજી ખાલી જગ્યામાં છોડી દીધેલી ગાળ ભરવાની આવશ્‍યકતા ન હોય.


૨. બચપણ

પોરબંદરથી પિતાશ્રી રાજસ્‍થાનિક કોર્ટના સભ્‍ય થઈ રાજકોટ ગયા ત્‍યારે મારી ઉંમર સાતેક વર્ષની હશે. રાજકોટની ગામઠી શાળામાં મને મૂકવામાં આવ્‍યો. એ શાળાના દિવસો મને સારી પેઠે યાદ છે. મહેતાજીઓનાં નામઠામ પણ યાદ છે. જેમ પોરબંદરના તેમ ત્‍યાંના અભ્‍યાસને વિશે પણ ખાસ જાણવા જેવું નથી. હું ભાગ્‍યે સામાન્‍ય કોટિનો વિદ્યાર્થી ગણાતો હોઈશ. ગામઠી નિશાળમાંથી પરાની નિશાળમાં ને ત્‍યાંથી હાઈસ્‍કૂલમાં.