પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બતાવી. તેણે કહ્યું: 'તેનું કંઇ નહીં; જા ત્રીજા વર્ગમાં.'

આ ડબામાં એક જ અંગ્રેજ ઉતારુ હતો. તેણે પેલા ગાર્ડને ધમકાવ્યો: 'તું આ ગૃહસ્થને કેમ પજવે છે? તું જોતો નથી કે એની પાસે પહેલા વર્ગની ટિકિટ છે? મને તેના બેસવાથી જરાયે અડચણ નથી.' એમ કહીને તેણે મારી સામું જોયું અને તેણે કહ્યું: 'તમે તમારે નિરાંતે બેઠા રહો.'

ગાર્ડ બબડ્યો: 'તમારે કુલીની જોડે બેસવું હોય તો મારે શું?' એમ કહીને ચાલતો થયો.

રાતના આઠેક વાગ્યે ટ્રેન પ્રિટોરિયા પહોંચી.


૧૦. પ્રિટોરિયામાં પહેલો દિવસ

પ્રિટોરિયા સ્ટેશને દાદા અબદુલ્લાના વકીલ તરફથી કોઈક માણસ મને મળશે એવી મેં આશા રાખી હતી. કોઈ હિંદી તો મને લેવા ન જ આવ્યા હોય એ હું જાણતો હતો, અને કોઈ પણ હિંદી ને ત્યાં રહેવા ન જવાના વચનથી બંધાયો હતો. વકીલે કોઇ માણસને સ્ટેશને નહોતો મોકલ્યો. પાછળથી હું સમજી શક્યો કે હું પહોંચ્યો તે દિવસ રવિવાર હોવાથી, કંઈક અગવડ ભોગવ્યા વિના એ કોઇને મોકલી શકે એમ નહોતું. હું મૂંઝાયો. ક્યાં જવુ એના વિચારમાં પડ્યો. કોઇ હોટલ મને સંઘરે એવી મને ધાસ્તી હતી. ૧૮૯૩ની સાલનું પ્રિટોરિયા સ્ટેશન ૧૯૧૪ના પ્રિટોરિયા સ્ટેશન કરતાં જુદું જ હતું. ઝાંખી બત્તીઓ બળતી હતી. ઉતારૂઓ પણ ઘણા નહોતા, મેં બધા ઉતારૂઓને જવા દીધા અને વિચાર્યુ કે, જરા નવરો થાય એટલે ટિકિટ-કલેક્ટરને મારી ટિકિટ આપીશ અને એ મને કોઇ નાનકડી હોટેલ અથવા એવું કોઇ મકાન બતાવે તો ત્યાં જઈશ, અથવા તો રાત સ્ટેશન ઉપર પડ્યો રહીશ. આટલું પૂછવા પણ મન નહોતું વધતુ, કેમ કે અપમાન થવા નો ડર હતો.

સ્ટેશન ખાલી થયું. મેં ટિકિટ-કલેક્ટરને ટિકિટ આપીને પૂછવાનું શરૂ કર્યુ. તેણે વિનયપૂર્વક જવાબ આપ્યા, પણ મેં જોયુ કે તે બહુ મદદ કરી શકે એમ નહોતું. તેને પડખે એક અમેરિકન હબસી ગૃહસ્થ ઊભો હતો. તેણે મારી સાથે વાત શરૂ કરી :

'હું જોઉં છું કે તમે તદ્દન અજાણ્યા છો અને તમારે કોઈ મિત્ર નથી. મારી સાથે આવો તો હું તમને એક નાનકડી હોટેલ છે ત્યાં લઈ