પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાઉં. તેનો માલિક અમેરિકન છે અને તેને હું સારી રીતે ઓળખુ છું. મને લાગે છે કે એ તમને સંઘરશે'.

મને કંઈક શક તો આવ્યો, પણ મેં આ ગૃહસ્થનો ઉપકાર માન્યો અને તેની સાથે જવાનુ કબૂલ કર્યુ. તે મને જોન્સ્ટનની ફેમિલી હોટેલમાં લઈ ગયો. પ્રથમ તેણે મિ. જોન્સ્ટનને એક કોરે લઈ જઈ થોડી વાત કરી. મિ. જોન્સ્ટનને મને એક રાતને સારૂ રાખવાનુ કબૂલ કર્યુ. તે પણ એવી શરતે કે મને ખાવાનું મારી કોટડીમાં પહોંચાડે.

'હું તમને ખાતરી આપુ છું કે મને તો કાળા ધોળાનો મુદ્દલ ભેદ નથી. પણ મારી ઘરાકી કેવળ ગોરાઓની જ છે. અને જો તમને હું ખાણાઘરમાં ખાવા દઉં તો મારા ઘરાકો કોચવાય અને કદાચ જતા રહે'. મિ. જોન્સ્ટને કહ્યુ.

મેં જવાબ આપ્યો, 'મને તમેં એક રાતને સારૂ સંઘરો એ પણ હું તો તમારો ઉપકાર સમજું. આ મુલકની સ્થિતિથી હું કંઈક વાકેફ થયો છું. તમારી મુશ્કેલી હું સમજી શકું છું. મને સુખેથી મારી કોટડીમાં પીરસજો. આવતી કાલે તો હું બીજો બંદોબસ્ત કરી લેવાની ઉમેદ રાખું છું.

મને કોટડી આપી. હું તેમાં પેઠો. એકાંત મળ્યે ખાણાની રાહ જોતો વિચારગ્રસ્ત થયો. આ હોટેલમાં ઘણા ઉતારુઓ નહોતા રહેતા. થોડી વારમાં ખાણું લઈને વેટરને આવતો જોવાને બદલે મેં મિ. જોન્સ્ટનને જોયો. તેણે કહ્યુ. ' મેં તમને અહીં પીરસાશે એમ કહ્યું એની મને શરમ લાગી. તેથી મેં મારા ઘરાકોને તમારે વિષે વાત કરી ને તેઓને પૂછ્યુ. તેમને તમે ખાણાઘરમાં જમો એ સામે કશો વાંધો નથી. વળી તમે અહીંયા ગમે તેટલી મુદત રહો તેમાંયે તેમને અડચણ નથી. એટલે હવે તમારી ઇચ્છા હોય તો તમે ખાણાઘરમાં આવો અને તમારી મરજીમાં આવે ત્યાં લગી અહીં રહેજો.'

મેં ફરી ઉપકાર માન્યો, અને હું ખાણાના ઓરડામાં ગયો. નિશ્ચિત પણે ખાધું.

બીજે દિવસે સવારે વકીલને ત્યાં ગયો. તેમનું નામ એ. ડબલ્યુ. બેકર. તેમને મળ્યો. અબદુલ્લા શેઠે તેમનું કંઈક વર્ણન મને આપ્યું હતું,