પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એટલે અમારી પહેલી મુલાકાતથી મને કંઈ આશ્ચર્ય ન લાગ્યું. તેં મને ભાવથી ભેટ્યા ને મારે વિષે થોડી હકીકત પૂછી, જે મેં તેમને કહી. તેમણે કહ્યુ, બારિસ્ટર તરીકે તો તમારો ઉપયોગ અહીંયા કંઈ જ થાય એમ નથી. અમે સારામાં સારા બારિસ્ટરને આ કેસમાં રોકી લીધેલા છે. કેસ લાંબો અને ગૂંચવાડાભરેલો છે, એટલે તમારી પાસેથી તો મને જોઈતી હકીકત વગેરે મળી શકે એટલુ જ કામ હું લઈ શકીશ. પણ મારા અસીલ સાથે પત્રવ્યવહાર કરવાનું હવે મને સહેલું થઈ પડશે, અને જે હકીકત તેમની પાસેથી જોઈશે તેં તમારી મારફત હું મંગાવી શકીશ. એ ફાયદો છે ખરો. તમારે સારુ ઘર તો હજી સુઘી મેં નથી શોધ્યું તમને જોયા પછી શોધવું એમ વિચાર રાખ્યો હતો. અહીં રંગભેદ બહુ છે, એટલે ઘર શોધવું સહેલું નથી. પણ એક બાઈને હું જાણું છું. તે ગરીબ છે, ભઠિયારાની સ્રી છે. મને લાગે છે કે એ તમને રાખશે. એને પણ કંઈક મદદ થશે. ચાલો, આપણે તેને ત્યાં જઈએ.'

આમ કહીને મને ત્યાં લઈ ગયા. બાઈની સાથે મિ. બેકરે એક બાજુએ જઈ થોડી વાત કરી અને તેણે મને સંઘરવાનો સ્વીકાર કર્યો. અઠવાડિયાના ૩૫ શિલિંગથી મને ત્યાં રાખ્યો.

મિ. બેકર વકીલ તેમ જ ધર્મચુસ્ત પાદરી હતા. હ્જુ તેઓ હયાત છે ને હાલ કેવળ પાદરીનું જ કામ કરેછે. વકીલાતનો ધંધો છોડી દીધો છે. પૈસેટકે સુખી છે. તેમણે હજુ મારી સાથે પત્રવ્યવહાર કાયમ રાખ્યો છે. કાગળોનો વિષય એકજ હોયછે. જુદી જુદી રીતે ખ્રિસ્તી ધર્મની ઉત્તમતા વિષે પોતાના કાગળમાં મારી સાથે ચર્ચા કરેછે, અને ઇશુને ઈશ્વરના એકમાત્ર પુત્ર તરીકે સ્વીકાર્યા વિના અને તેને તારણહાર માન્યા વિના પરમ શાંતિ મળવાની નથી એ વસ્તુનું પ્રતિપાદન કરેછે.

અમારી પહેલી જ મુલાકાત દરમ્યાન મિ. બેકરે ધર્મ સંબંધી મારી મનોદશા જાણી લીધી. મેં તેમને કહી દીધુ : 'હું જન્મે હિંદુ છું. એ ધર્મનું પણ મને બહુ જ્ઞાન નથી, બીજા ધર્મોનું ઓછું જ્ઞાન છે. હું ક્યાં છું, હું શું માનું છું, મારે શું માનવું જોઈએ, એ બધું હું જાણતો નથી. મારા પોતાના ધર્મનું નિરીક્ષણ કરવા ઈચ્છું છુ> બીજા ધર્મોનો પણ અભ્યાસ યથાશક્તિ કરવાનો મારો ઈરાદો છે..'