પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ બધું સાંભળી મિ. બેકર રાજી થયા અને મને કહ્યું, 'હું પોતે સાઉથ આફ્રિકા જનરલ મિશનનો એક ડિરેકટર છું. મારે પોતાને ખરચે મેં એક દેવળ બાંધ્યુ છે. તેમાં વખતોવખત હું ધર્મના વ્યાખ્યાનો આપુ છુ. હું રંગભેદ માનતો નથી. મારી સાથે કેટલાક સાથીઓ પણ કામ કરનારા છે. અમે હમેશાં એક વાગ્યે થોડી મિનિટ મળીએ છીએ અને આત્માની શાંતિ તેમજ પ્રકાશ (જ્ઞાનના ઉદય) ને ખાતર પ્રાથના કરીએ છીએ. એમાં તમે આવશો તો હું રાજી થઈશ. ત્યાં મારા સાથીઓની પણ તમને ઓળખાણ કરાવીશ. તેઓ બધા તમને મળીને રાજી થશે, અને તમને પણ તેમનો સમાગમ ગમશે એવી મારી ખાતરી છે. હું કેટલાક ધર્મપુસ્તકો પણ તમને વાંચવા આપીશ, પણ ખરું પુસ્તક તો બાઈબલ જ છે. તે વાંચવા મારી તમને ખાસ ભલામણ છે.'

મેં મિ. બેકરનો ઉપકાર માન્યો અને એક વાગ્યે તેમના મંડળમાં પ્રાથનાને સારુ, બની શકે ત્યાં લગી, જવાનું કબૂલ કર્યુ.

'ત્યારે આવતી કાલે એક વાગ્યે અહીં જ આવજો અને આપણે સાથે પ્રાથનામંદિરમાં જઈશું.'

અમે છૂટા પડ્યા. ઘણા વિચારો કરવાની હજુ મને નવરાશ નહોતી. મિ. જોન્સ્ટન પાસે ગયો. બિલ ચુકવ્યું. નવા ઘરમાં ગયો. ત્યાં જમ્યો. ઘરધણી બાઈ ભલી હતી. તેણે મારે સારુ અન્નાહાર તૈયાર કર્યો હતો. આ કુટુંબની અંદર તુરત ભળી જતાં મને વાર ન લાગી. ખાઈપરવારીને દાદા અબદુલ્લાના જે મિત્ર ઉપર મને કાગળ હતો તેમને મળવા ગયો. તેમની ઓળખાણ કરી. તેમની પાસેથી હિંદીઓની હાડમારીની વિશેષ વાતો જાણી. તેમણે પોતાને ત્યાં રહેવાનો મને આગ્રહ કર્યો. મેં ઉપકાર માન્યો અને મારે સારુ જે વ્યવસ્થા થઈ ગઈ હતી તેની વાત કરી. જોઈતુંકારવતું માગી લેવા તેમણે મને આગ્રહપૂર્વક કહ્યું.

સાંજ પડી. વાળુ કર્યુ. ને હું તો મારી કોટડીમાં જઈ વિચારના વમળમાં પડ્યો. મેં મારે સારુ તુરત કંઈ કામ જોયુ નહીં. અબદુલ્લા શેઠને ખબર આપી. મિ. બેકરની મિત્રાચારીનો શો અર્થ હોઈ શકે ? એમના ધર્મબંધુઓ પાસેથી હું શું મેળવીશ ? મારે ખ્રિસ્તી ધર્મના અભ્યાસમાં ક્યાં સુધી જવું ? હિંદુ ધર્મ નું સાહિત્ય કયાંથી મેળવવું ? તે જાણ્યા વિના