પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખ્રિસ્તી ધર્મનું સ્વરૂપ મારાથી કેમ જાણી શકાય ? એક જ નિર્ણય કરી શકાશે : મારે જે અભ્યાસ પ્રાપ્ત થાય તે નિષ્પક્ષપાત પણે કરવો, અને મિ. બેકરના સમુદાયને, તે તે વખતે ઈશ્વર સુઝાડે તે જવાબ આપી દેવો. મારો ધર્મ હું પૂરો સમજી ન શકું ત્યા લગી મારે બીજા ધર્મોનો સ્વીકાર કરવાનો વિચાર ન કરવો. આમ વિચાર કરતાં હું નિંદ્રાવશ થયો.


૧૧. ખ્રિસ્તી સંબંધો

બીજે દિવસે એક વાગ્યે હું મિ. બેકરની પ્રાર્થનાસમાજમાં ગયો. ત્યાં મિસ હૅરિસ, મિસ ગેબ, મિ. કોટ્સ આદિની ઓળખાણ થઈ. બધાંએ ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરી. મેં પણ તેમનું અનુકરણ કર્યું. પાર્થનામાં જેની જે ઈચ્છામાં આવે તે ઈશ્વર પાસે માગે. દિવસ શાંતિથી જાઓ, ઈશ્વર અમારાં હૃદયનાં દ્વાર ખોલો, ઇત્યાદિ તો હોય જ. મારે સારુ પણ પ્રાર્થના થઈ: 'અમારી વચ્ચે જે નવો ભાઈ આવ્યો છે તેને તું માર્ગ બતાવજે. જે શાંતિ તેં અમને આપી છે તે તેને પણ આપજે. જે ઈશુએ અમને મુક્ત કર્યા છે તે તેને પણ મુક્ત કરો. આ બધું અમે ઈસુને નામે માગીએ છીએ.' આ પ્રાર્થનામાં ભજનકિર્તન નહીં. સહુને બપોરનું ખાણું ખાવાનો આ વખત, એટલે સહુ આમ પ્રાર્થના કરી પોતપોતાના ખાણા સારુ જાય. પ્રાર્થનામાં પાંચ મિનિટથી વધારે ન જ જાય.

મિસ હૅરિસ અને મિસ ગેબ એ બે પીઢ કુમારિકાઓ હતી. મિ. કોટ્સ ક્વેકર હતા. આ બે બાઈઓ સાથે રહેતી. તેમણે મને દર રવિવારે તેમને ત્યાં ચાર વાગ્યાની ચા લેવાને સારુ નોતર્યો. મિ. કોટ્સ મળે ત્યારે દર રવિવારે મારે તેમને અઠવાડિયાની ધાર્મિક રોજનીશી સંભળાવવાનું હોય. શાં શાં પુસ્તકો વાંચ્યાં, મારા મન ઉપર તેમની શી અસર થઈ, એ ચર્ચા કરીએ. આ બાઈઓ પોતાના મીઠા અનુભવો સંભળાવે અને પોતાની પરમ શાંતિની વાત કરે.

મિ. કોટ્સ એક નિખાલસ મનના ચુસ્ત જવાન ક્વેકર હતા. તેમની સાથે મારો સંબંધ ગાઢ થયો. અમે ઘણી વેળા ફરવા પણ જઈએ. તે મને બીજા ખ્રિસ્તીઓને ત્યાં લઈ જાય.