પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રયત્ન ફોગટ છે. મારું કહેવું ફરી વિચારજો.'

અને આ ભાઈએ જેવું કહ્યું તેવું પોતાના વર્તનમાં કરી પણ બતાવ્યું: ઇરાદાપૂર્વક અનીતિ કર્યાનું દર્શન કરાવ્યું.

પણ કંઈ બધા ખ્રિસ્તીની આવી માન્યતા ન હોય, એટલું તો હું આ પરિચયો પૂર્વે જ જાણી શક્યો હતો. કોટ્સ પોતે જ પાપથી ડરીને ચાલનારા હતા. તેમનું હૃદય નિર્મળ હતું. તે હૃદયશુદ્ધિની શક્યતા માનનાર હતા. પેલી બહેનો પણ તેવી જ હતી. મારા હાથમાં આવેલાં પુસ્તકોમાંનાં કેટલાંક ભક્તિપૂર્ણ હતાં. તેથી આ પરિચયથી કોટ્સને થયેલો ગભરાટ મેં શાંત પાડ્યો ને ખાતરી આપી કે એક પ્લીમથ બ્રધરની અનુચિત માન્યતાથી હું ખ્રિસ્તી ધર્મ સામે ભરમાઈ જાઉં તેમ નથી. મારી મુશ્કેલીઓ તો બાઇબલ વિષે ને તેના રૂઢ અર્થ વિષે હતી.


૧૨. હિંદીઓનો પરિચય

ખ્રિસ્તી સંબંધો વિષે વધારે લખું તે પહેલાં તે જ કાળના બીજા અનુભવોની નોધ લેવી આવશ્યક છે.

નાતાલમાં જે સ્થાન દાદા અબદુલ્લાનું હતું તે સ્થાન પ્રિટોરિયામાં શેઠ તૈયબ હાજી ખાનમહમદનું હતું. તેમના વિના એક પણ જાહેર પ્રવૃત્તિ ન ચાલી શકે. તેમની ઓળખ મેં પહેલે જ અઠવાડીયે કરી લીધી. પ્રિટોરિયાના દરેક હિંદીના સંબંધમાં આવવાનો મારો વિચાર મેં તેમને જણાવ્યો. હિંદીઓની સ્થિતિનો અભ્યાસ કરવાની મારી ઇચ્છા પ્રગટ કરી ને મેં આ બધા કાર્યમાં તેમની મદદ માગી. તેમણે ખુશીથી મદદ આપવાનું કબૂલ કર્યું.

મારું પ્રથમ પગલું તો બધા હિંદીઓની એક સભા ભરી તેમની આગળ સ્થિતિનો વિતાર મૂકવાનું હતું. શેઠ હાજી મહમદ હાજી જુસબ, જેમની ઉપર મને ભલામણ પત્ર મળ્યો હતો, તેમને ત્યાં આ સભા ભરાઈ. તેમાં મુખ્ય ભાગે મેમણ વેપારીઓ હાજર હતા. થોડા હિંદુ પણ હતા. પ્રિટોરિયામાં હિંદુઓની વસ્તી જ ઘણી થોડી હતી.

આ મારું જિંદગીનું પહેલું ભાષણ ગણાય. મેં તૈયારી ઠીક કરી હતી. મારે સત્ય વિષે બોલવું હતું. વેપારમાં સત્ય ન ચાલે એવું હું