પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વેપારીઓને મોઢેથી સાંભળતો આવ્યો હતો. એ વાત હું ત્યારે નહોતો માનતો. આજ પણ નથી માનતો. વેપારને અને સત્યને ન બને એમ કહેનારા વેપારી મિત્ર આજ પણ પડ્યા છે. તેઓ વેપારને વ્યવહાર કહે છે, સત્યને ધર્મ કહે છે, અને દલીલ કરે છે કે વ્યવહાર એક વસ્તુ છે, ધર્મ બીજી. વ્યવહારમાં શુદ્ધ સત્ય ન જ ચાલે; તેમાં તો યથાશક્તિ જ સત્ય બોલાયચલાય, એવી તેઓની માન્યતા. આ સ્થિતિનો મેં મારા ભાષણમાં સારી પેઠે વિરોધ કર્યો ને વેપારીઓને તેમની બેવડી ફરજનું ભાન કરાવ્યું. પરદેશમાં આવવાથી તેમની જવાબદારી દેશમાં હોય તેના કરતાં વધી, કેમ કે ખોબા જેટલા હિંદીઓની રહેણીકરણી ઉપરથી હિંદના કરોડોનું માપ થતું હતું.

અંગ્રેજોની રહેણીની સરખામણીમાં આપણી રહેણીમાં રહેલી ગંદકી હું જોઈ ગયો હતો તે તરફ પણ ધ્યાન ખેંચ્યું.

હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, અથવા ગુજરાતી, મદ્રાસી, પંજાબી, સિંધી, કચ્છી, સુરતી વગેરે ભેદો ભૂલી જવા પર ભાર મુક્યો.

ને છેવટમાં, એક મંડળ સ્થાપી હિંદીઓને પડતી હાડમારીઓનો ઇલાજ અમલદારોને મળી અરજીઓ કરીને કરવો જોઈએ એમ સૂચવ્યું, ને તેમાં મને મળે તેટલો વખત વગરવેતને આપવાનું મેં જણાવ્યું.

સભામાં અસર ઠીક થઈ એમ મેં જોયું.

ચર્ચા થઈ. કેટલાકે હકીકતો મારી પાસે મૂકવાનું કહ્યું. મને હિંમત આવી. મેં જોયું કે આ સભામાં અંગ્રેજી જાણનારા થોડા જ હતા. આવા પરમુલકમાં અંગ્રેજી જ્ઞાન હોય તો સારું એમ મને લાગ્યું. તેથી મેં જેને નવરાશ હોય તેને અંગ્રેજી ભણવાની ભલામણ કરી. મોટી ઉંમરે પહોંચ્યા પછી પણ અભ્યાસ કરાય એમ કહી તેવા અભ્યાસ કરનારાંનાં દૃષ્ટાંતો આપ્યાં. મેં પોતે એક વર્ગ નીકળે તો તેને અથવા છૂટાછવાયા ભણનારા નીકળે તો તેમને ભણાવવાનું માથે લીધું. વર્ગ તો ન નીકળો, પણ ત્રણ જણ પોતાની સગવડે ને તેમને ઘેર ભણાવવા જાઉં તો ભણવા તૈયાર થયા. આમાં બે મુસલમાન હતા. તેમાંનો એક હજામ હતો, એક કારકુન હતો. એક હિંદુ નાનકડો દુકાનદાર હતો. બધાને હું અનુકૂળ થયો. મારી શીખવવાની શક્તિ વિષે તો મને મુદ્દલ અવિશ્વાસ હતો જ નહીં. મારા શિષ્યો થાક્યા