પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગણીએ તો થાક્યા કહેવાય, પણ હું ન થાક્યો. કોઈ વેળા તેમને ત્યાં જાઉં ત્યારે તેઓને નવરાશ ન હોય. મેં ધીરજ ન ખોઈ. આમાંના કોઈને અંગ્રેજીનો ઊંડો અભ્યાસ તો નહોતો જ કરવો. પણ બેએ આઠેક માસમાં સારી પ્રગતિ કરી ગણાય બેને નામું માંદવાનું ને સામાન્ય કાગળો લખવાનું જ્ઞાન મળ્યું. હજામને તો તેના ઘરાકની સાથે બોલવાજોગું જ શીખવ્યું હતું. બે જણ પોતાના અભ્યાસને લીધે ઠીક કમાવાની શક્તિ પણ મેળવી શક્યા.

સભાના પરિણામથી મને સંતોષ થયો. આવી સભા દર માસે કે દર અઠવાડિયે ભરવાનો નિશ્ચય થયો. ઓછીવત્તી નિયમિત રીતે એ સભા ભરાતી ને વિચારોની આપલે થતી. પરિણામે પ્રિટોરિયામાં ભાગ્યે કોઈ હિંદી રહ્યા હશે જેને હું ઓળખતો નહીં થયો હોઉં, અથવા તો જેની સ્થિતિથી હું વાકેફ નહી થયો હોઉં. હિંદીઓની સ્થિતિનું આવું જ્ઞાન મેળવવાનું પરિણામ એ આવ્યું કે, મને પ્રિટોરિયામાં રહેતા બ્રિટિશ એજન્ટની ઓળખાણ કરવાની ઈચ્છા થઈ. હું મિ. જેકોબ્સ ડિ-વેટને મળ્યો. તેમની લાગણી હિંદીઓ તરફ હતી. તેમની વગ ઓછી હતી, પણ તેમણે બનતી મદદ કરવા અને જ્યારે મળવું હોય ત્યારે મળવા મને કહ્યું. રેલવે સત્તાવાળાઓ સાથે પત્રવ્યવહાર ચલાવ્યો ને તેમના જ કાયદા પ્રમાણે હિંદીને મનાઈ ન થઈ શકે એમ મેં સૂચવ્યું. પરિણામે, સારાં કપડાં પહેરેલા હોય તેવા હિંદીને ઉપલા વર્ગની રેલવે ટિકિટ દેવામાં આવશે એવો કાગળ મળ્યો. એથી પૂરી સગવડ તો ન મળી. સારાં કપડાં કોણે પહેર્યાં ગણાય એ તો સ્ટેશન-માસ્તર જ ઠરાવે ના!

બ્રિટિશ એજંટે મને તેની વચ્ચે થયેલા પત્રવ્યવહાર વિષે કેટલાંક કાગળિયાં વાંચવા આપ્યાં. તૈયબ શેઠે પણ આપ્યાં હતાં. તેમાંથી ઑરેન્જ ફ્રી સ્ટેટમાંથી હિંદીનો પગ કેવી નિર્દયતાથી કાઢી નાખવામાં આવ્યો હતો તે મેં જાણ્યું. ટૂંકામાં, ટ્રાન્સવાલના ને ફ્રી સ્ટેટના હિંદીઓની આર્થિક, સામાજિક અને રાજ્યપ્રકરણી સ્થિતિનો ઊંડો અભ્યાસ હું પ્રિટોરિયામાં કરી શક્યો. આ અભ્યાસનો પાછળ જતાં મને પૂરો ઉપયોગ થવાનો છે એની મને મુદ્દલ ખબર નહોતી. મારે તો એક વર્ષને અંતે અથવા કેસ વહેલો પૂરો થાય તો તે પહેલાં દેશ જતું રહેવું હતું.

પણ ઈશ્વરે બીજું જ ધાર્યું હતું.