પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૩. કુલીપણાનો અનુભવ

ટ્રાન્સવાલ અને ઓરેન્જ ફ્રી સ્ટેટના હિદીઓની હાલતનો પૂરો ચિતાર આપવાનું આ સ્થાન નથી. તેનો ખ્યાલ મેળવવા ઈચ્છનારે 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ' વાંચવો જોઈએ. પણ તેની રૂપરેખા આપવી આવશ્યક છે.

ઓરેન્જ ફ્રી સ્ટેટમાં તો એક કાયદો કરી સન ૧૮૮૮માં કે તે પૂર્વે હિંદીઓના બધા હક છીનવી લેવામાં આવ્યા હતા. ત્યાં માત્ર હોટેલના વેટર તરીકે કે એવી કોઈ મજૂરીમાં રહેવા જેટલી હિંદીઓને છૂટ રહી. જે હિંદી વેપારીઓ હતા તેમને નામનો અવેજ આપી કાઢી મેલ્યા. હિંદી વેપારીઓએ અરજી વગેરે તો કર્યા, પણ તેમની તૂતીનો અવાજ કોણ સાંભળે?

ટ્રાન્સવાલમાં ૧૮૮૫માં સખત કાયદો થયો. ૧૮૮૬માં કંઈક સુધારો થયો. તેને પરિણામે હિંદીમાત્ર દાખલ ફિના ત્રણ પાઉંડ આપે એમ ઠર્યુ. જમીનની માલિકી તેઓ માત્ર તેમને સારુ નીમેલા વાડામાં જ ધરાવી શકે. આમાંયે માલિકી તો મળી જ નહીં. એમને મતાધિકાર તો ન જ હોય. આ તો ખાસ એશિયાવાસીઓને લગતા કાયદા. વળી જે કાયદા શ્યામ વર્ણના લોકોને લાગુ પડે તે પણ એશિયાવાસીઓને લાગુ ખરા જ. તે મુજબ હિંદીઓ પગથી ('ફૂટપાથ') ઉપર હકપૂર્વક ન ચાલી શકે, રાતના નવ વાગ્યા પછી પરવાના વિના બહાર ન નીકળી શકે. આ છેલ્લા કાનૂનનો અમલ હિંદીઓ સામે ઓછાવતા પ્રમાણમાં થતો. જેઓ આરબ તરીકે ખપતા તેઓને મહેરબાની દાખલ આમાં ન ગણવામાં આવે. એટલે આવી રાહત પોલીસની ઈચ્છા ઉપર રહે.

આ બંને નિયમોની અસર મારે પોતાને વિષે તપાસવી પડી હતી. મિ. કોટ્સની સાથે ઘણી વેળા હું રાતે ફરવા નીકળતો. ઘેર જતાં દસ પણ વાગે. એટલે મને પોલીસ પકડે તો ? આ ધાસ્તી મને હતી તેના કરતાં કોટ્સને વધારે હતી. કેમ કે પોતાના હબસીઓને તો તે જ પરવાના આપે. મને શી રીતે પરવાનો આપી શકે ? પરવાનો પોતાના નોકરને જ આપવાનો શેઠને અધિકાર હતો. હું લેવા માગું ને કોટ્સ દેવા તૈયાર