પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થાય તોયે તે ન જ આપી શકાય, કેમ કે તે દગો ગણાય.

તેથી કોટ્સ કે પછી તેમના કોઇ મિત્ર મને ત્યાંના સરકારી વકીલ દા. ક્રાઉઝેની પાસે લઈ ગયા. અમે બંને એક જ 'ઈન'ના બારિસ્ટર નીકળ્યા. રાતે નવ વાગ્યા પછી બહાર નીકળવાને સારુ મારે પરવાનો લેવો જોઈએ એ વાત તેમને અસહ્ય લાગી. તેમણે મારા તરફ દિલસોજી બતાવી. મને પરવાનો આપવાને બદલે પોતાના તરફથી એક કાગળ આપ્યો. તેની મતલબ એ હતી કે, હું ગમે તે વખતે ગમે ત્યાં નીકળું તેમાં પોલીસે મારી વચ્ચે ન પડવું. આ કાગળિયું હંમેશ મારી સાથે રાખીને હું ફરતો. તેનો ઉપયોગ કોઈ દિવસ કરવો નહોતો પડ્યો. પણ એ કેવળ અકસ્માત જ ગણાવો જોઇએ.

દા. ક્રાઉઝેએ મને પોતાને ઘેર આવવાનું નિમંત્રણ આપ્યું. અમારી વચ્ચે મિત્રાચારી બંધાઈ એમ કહું તો ચાલે. કોઈ કોઈ વેળા તેમને ત્યાં જતો થયો. તેમની મારફતે તેમના વધારે પ્રખ્યાત ભાઈની મારે ઓળખાણ થઈ. એ જોહાનિસબર્ગમાં પબ્લિક પ્રૉસિકયૂટર નિમાયા હતા. તેમના ઉપર બોઅર લડાઈ વખતે અંગ્રેજ અમલદારનું ખૂન કરાવવાનું કાવતરું કરવા બાબત કામ પણ ચાલ્યું હતું ને તેમને સાત વર્ષની જેલ મળી હતી. તેમની સનદ પણ બેન્ચરોએ છીનવી લીધી હતી. લડાઈ પૂરી થયા પછી આ દા. ક્રાઉઝે જેલમાંથી છૂટયા, માન સહિત ટ્રાન્સવાલની કોર્ટમાં પાછા દાખલ થયા, ને પોતાને ધંધે વળગ્યા. આ સંબંધોનો મને પાછળથી જાહેર ઉપયોગ થઈ શકયો હતો અને મારું કેટલુંક જાહેર કામ સરળ થઇ શકયું હતું.

પગથી ઉપર ચાલવાનો પ્રશ્ન મારે સારુ જરા ગંભીર પરિણામવાળો નીવડયો. હું હમેશાં પ્રેસિડેંટ સ્ટ્રીટમાં થઈને એક ખુલ્લા મેદાનમાં ફરવા જતો. આ મહોલ્લામાં પ્રેસિડેંટ ક્રુગરનું ઘર હતું. એ ઘરને વિષે આડંબર જરાયે નહોતો. તેને ફરતું કંપાઉંડ પણ ન હતું. બીજાં પડખેનાં ઘરોમાં અને આમાં કશો તફાવત માલૂમ ન પડે. લક્ષાધિપતિઓનાં ઘણાનાં ઘર પ્રિટોરિયામાં આ ઘર કરતાં ઘણાં મોટાં, શોભીતાં ને વાડવાળાં હતાં. પ્રેસિડેંટની સાદાઈ પ્રખ્યાત હતી. આ ઘર કોઈ અમલદારનું છે એમ તેની સામે એક સિપાઈ ફરતો હોય તે ઉપરથી જ જણાય. આ સિપાઈની