પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લગોલગ થઈને જ લગભગ હમેશાં હું જાઉં. પણ સિપાઈ મને કંઈ ન કરે. સિપાઈ વખતોવખત બદલાય. એક વેળા એક સિપાઈએ, ચેતવ્યા વિના, પગથી પરથી ઊતરી જવાનું કહ્યા વિના, મને ધક્કો માર્યો, લાત મારી, ને ઉતારી મૂકયો. હું તો વિમાસણમાં જ પડયો. લાત મારવાનું કારણ હું પૂછવા જાઉં તે પહેલાં કોટ્સ જે ઘોડેસવાર થઈ તે જ વેળા ત્યાંથી પસાર થતા હતા તેમણે મને પોકારીને કહ્યું:

'ગાધી, મેં બધું જોયું છે. તારે કેસ કરવો હોય તો હું સાક્ષી આપીશ. મને બહુ દિલગીરી થાય છે કે તારી ઉપર આવી રીતે હુમલો થયોં.'

મેં કહ્યું : 'તેમાં દિલગીરીનું કારણ નથી. સિપાઈ બિચારો શું જાણે ? તેને મન તો કાળા એટલા કાળા જ. તે હબસીઓને પગથી ઉપરથી આમ જ ઉતારતો હશે એટલે તેણે મને પણ ધક્કો માર્યો. મેં તો નિયમ જ કર્યો છે કે મારી જાત ઉપર વીતે તેને સારુ મારે અદાલતે ન જ ચડવું. એટલે મારે કેસ નથી કરવો.'

'એ તો તેં તારા સ્વભાવ પ્રમાણે જ વાત કરી, પણ તું ફરી વિચારી જોજે. આવા માણસને કંઈક પાઠ તો શીખવવો જ જોઇએ.' આટલું બોલી પેલા સિપાઈની સાથે વાત કરી તેને ઠપકો આપ્યો. હું બધી વાત તો ન સમજી શકયો. સિપાઈ ડચ હતો ને તેની સાથે વાત ડચમાં થઈ. સિપાઈએ મારી માફી માગી, હું તો માફી આપી જ ચૂકયો હતો.

પણ મેં ત્યારથી આ શેરીનો ત્યાગ કર્યો. બીજા સિપાઈઓને આ બનાવની શી ખબર હોય ? મારે હાથે કરીને ફરી લાત શા સારુ વહોરવી ? એટલે મેં ફરવા જવાને સારુ બીજી શેરી પસંદ કરી.

આ બનાવે હિંદી નિવાસીઓ પ્રત્યેની મારી લાગણી વધારે તીવ્ર કરી. આ ધારાઓ વિષે બ્રિટિશ એજંટની સાથે ચર્ચા કરીને, પ્રસંગ આવે તો તે વિષે એક 'ટેસ્ટ' (નમૂના દાખલ) કેસ કરવાની વાત હિંદીઓ જોડે ચર્ચી.

આમ મેં હિંદીઓની હાડમારીઓનો વાંચીને, સાંભળીને અને અનુભવીને અભ્યાસ કર્યો. મેં જોયું કે સ્વમાન જાળવવા ઈચ્છનાર હિંદીને સારુ દક્ષિણ આફ્રિકા યોગ્ય મુલક નથી. આ સ્થિતિ કેમ બદલી શકાય એ વિચારોમાં મારું મન વધારે ને વધારે રોકાવા લાગ્યું. પણ હજુ મારો મુખ્ય ધર્મ તો દાદા અબદુલ્લાના કેસને જ સંભાળવાનો હતો.